નાના દહીંસરા પાસે ડેલાની ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ

મોરબી LCBની કાર્યવાહી; રૂ. 66,105નો મુદ્દામાલ કબજે, બે શખ્સો સામે ગુનો

માળીયા મિયાણા: મોરબી જિલ્લા LCBની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નાના દહીંસરા ગામ નજીક રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પીપળીયા ચાર રસ્તાથી નવલખી તરફ જતા રોડ પર નાના દહીંસરા રેલવે ફાટક સામે આવેલા ડેલાની પતરાની ઓરડીમાંથી દારૂની 117 બોટલ મળી આવી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના સનાળા ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ ચાવડા અને રાજકોટના હરેશભાઈ નરસીભાઈ બારોટના કબજા-ભોગવટાવાળા ડેલામાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી LCBને મળી હતી.

બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પતરાની ઓરડીમાંથી દારૂની 117 બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો સહિત કુલ રૂ. 66,105નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બે શખ્સો સ્થળ પર હાજર ન મળ્યા

પોલીસની કાર્યવાહી સમયે વિજયભાઈ ચાવડા અને હરેશભાઈ બારોટ બંને સ્થળ પર હાજર ન હતા. જેથી પોલીસે બંને વિરુદ્ધ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें