મિસિસિપીના દરિયાકિનારે સેસના 210 વિમાન ક્રેશ થયું, મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ. કોસ્ટ ગાર્ડ અને ડાઇવર્સના સર્ચ ઓપરેશનમાં તમામ છ મૃતદેહો મળી આવ્યા.
અમેરિકાના મિસિસિપીમાં હોર્ન આઈલેન્ડ નજીક મંગળવારે બપોરે એક નાનું વિમાન સમુદ્રમાં ખાબકતાં છ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ચાર પુખ્ત વયના લોકો અને 8થી 10 વર્ષનાં બે બાળકોનો સમાવેશ થાય છે. અમેરિકન કોસ્ટ ગાર્ડે તમામ છ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. અકસ્માત બાદ શરૂ કરવામાં આવેલા બચાવ અને શોધખોળ અભિયાન દરમિયાન ડાઇવર્સે વિમાનના કાટમાળમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા.
FAAનો વિમાન સાથેનો સંપર્ક તૂટ્યો
અમેરિકન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત વિમાન સેસના સેન્ટુરિયન 210 હતું. મંગળવારે બપોરે આશરે 3:45 વાગ્યે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)નો વિમાન સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો.
ત્યારબાદ આ અંગે કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બચાવ અને શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કાટમાળમાંથી તમામ છ મૃતદેહો મળ્યા
અકસ્માનાં સ્થળે પહોંચેલી બચાવ ટીમોને ત્રણ લાઇફ જેકેટ, એક લાઇફ રાફ્ટ અને વિમાનની કેબિન મળી આવી હતી. ત્યારબાદ મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ મરીન રિસોર્સિસ (MDMR)ના ડાઇવર્સે સમુદ્રમાં વિમાનના કાટમાળની અંદર શોધખોળ શરૂ કરી હતી.
આ કામગીરી દરમિયાન વિમાનમાં સવાર તમામ છ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. કોસ્ટ ગાર્ડે તમામ મૃતદેહો મળી આવ્યા બાદ સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કર્યું હતું.
ન્યૂ ઓર્લિયન્સથી ફ્લોરિડા જઈ રહ્યું હતું વિમાન
ફ્લાઇટ ટ્રેકિંગના ડેટા મુજબ, સેસના 210 વિમાન ન્યૂ ઓર્લિયન્સથી ફ્લોરિડાના ફોર્ટ માયર્સ તરફ જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાના આશરે 30 મિનિટ બાદ વિમાન મિસિસિપીના પસ્કાગૌલાના દક્ષિણ વિસ્તારમાં લગભગ 8,800 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું.
ત્યારબાદ વિમાન અચાનક નીચેની તરફ આવવા લાગ્યું હતું અને અંતે સમુદ્રમાં ખાબક્યું હતું.
પ્રતિ મિનિટ 18 હજાર ફૂટની ઝડપે નીચે આવ્યું વિમાન
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24ના ડેટા અનુસાર, અકસ્માત પહેલાં વિમાન પ્રતિ મિનિટ આશરે 18,000 ફૂટની ઝડપે નીચે આવી રહ્યું હતું. આ દરમિયાન તેની ગતિ 200 માઇલ પ્રતિ કલાકથી વધુ નોંધાઈ હતી.
થોડા સમય બાદ વિમાનનો ટ્રેકિંગ ડેટા મળવાનું બંધ થઈ ગયું હતું. હાલ આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ અકસ્માતમાં ચાર પુખ્ત વયના લોકો અને બે બાળકોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.









