બેન સ્ટોક્સની ₹2 કરોડની બેઝ પ્રાઇસ સાથે હરાજીમાં વાપસીની તૈયારી, બાંગ્લાદેશના 12 ખેલાડીઓને પણ તક. જોકે, મુસ્તફિઝુર રહેમાન અને શાકિબ અલ હસનનાં નામ પ્રારંભિક યાદીમાંથી ગાયબ છે.
IPL 2027ની મિની હરાજી પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ખેલાડીઓની પ્રારંભિક યાદી ફ્રેન્ચાઇઝીઓ સાથે શેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 1,220 ખેલાડીઓનો સમાવેશ થાય છે. તેમાં ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. સ્ટોક્સે ₹2 કરોડની બેઝ પ્રાઇસ સાથે હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી તરફ, બાંગ્લાદેશના 12 ખેલાડીઓ પણ આ હરાજીમાં પોતાનું નસીબ અજમાવશે.
બેન સ્ટોક્સ માટે ટીમો વચ્ચે ટક્કર થવાની શક્યતા
35 વર્ષીય બેન સ્ટોક્સનું નામ યાદીમાં આવતાં જ IPLની ફ્રેન્ચાઇઝીઓનું ધ્યાન તેના પર કેન્દ્રિત થયું છે. લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ જેવી ટીમો અનુભવી ખેલાડીની શોધમાં હોવાથી સ્ટોક્સને ખરીદવા માટે રસ દાખવી શકે છે.
સ્ટોક્સ અગાઉ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી IPLમાં રમી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી 45 IPL મેચોમાં 935 રન બનાવ્યા છે અને 28 વિકેટ ઝડપી છે.
બાંગ્લાદેશના 12 ખેલાડીઓની નોંધણી
IPL 2027ની પ્રારંભિક યાદીમાં બાંગ્લાદેશના કુલ 12 ખેલાડીઓ સામેલ છે. આ ખેલાડીઓમાં હસન મહમૂદ, પરવેઝ હુસૈન ઇમોન, રિપોન મંડલ, રિશાદ હુસૈન, સૈફ હસન, શાક મહેદી હસન, શમીમ હુસૈન, શોરિફુલ ઇસ્લામ, તંઝીમ હસન સાકિબ, તૌહીદ હૃદોય, એમડી રુબેલ અને તસ્કીન અહેમદનો સમાવેશ થાય છે.
જોકે, બાંગ્લાદેશના જાણીતા ખેલાડીઓ મુસ્તફિઝુર રહેમાન અને શાકિબ અલ હસન આ યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી. આ બંને ખેલાડીઓની ગેરહાજરીને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચા થઈ રહી છે.
મુસ્તફિઝુરની ગેરહાજરી ફરી ચર્ચામાં
ગત મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સે મુસ્તફિઝુર રહેમાનને ₹9.2 કરોડમાં ખરીદ્યો હતો. જોકે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ભૂ-રાજકીય તણાવની પૃષ્ઠભૂમિમાં BCCIના નિર્દેશ બાદ KKRએ તેને ટીમમાંથી રિલીઝ કર્યો હતો.
આ ઘટનાને કારણે આ વખતે પણ મુસ્તફિઝુરનું નામ પ્રારંભિક યાદીમાં ન હોવા અંગે ચર્ચા થઈ રહી છે. જોકે, શાકિબ અલ હસનનું નામ સામેલ ન થવાનું ચોક્કસ કારણ જાહેર થયું નથી.
939 ભારતીય અને 281 વિદેશી ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા
હરાજીની યાદીમાં કુલ 1,220 ખેલાડીઓ છે, જેમાં 939 ભારતીય અને 281 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. તમામ ફ્રેન્ચાઇઝીઓ પાસે મળીને માત્ર 66 ખેલાડીઓ ખરીદવાના સ્લોટ ઉપલબ્ધ છે. તેમાં 25 વિદેશી ખેલાડીઓ માટેના સ્લોટ છે.
યાદીમાં 170 કેપ્ડ વિદેશી ખેલાડીઓ, 14 કેપ્ડ ભારતીય ખેલાડીઓ અને એસોસિએટ દેશોના 42 ખેલાડીઓ સામેલ છે. આ ઉપરાંત અગાઉની IPL સિઝનમાં રમી ચૂકેલા 127 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ પણ હરાજી માટે ઉપલબ્ધ રહેશે.
ભારતીય ખેલાડીઓમાં અનેક મોટા નામ સામેલ
હરાજીની યાદીમાં આકાશ દીપ, આવેશ ખાન, દીપક ચાહર, દીપક હુડ્ડા, જયદેવ ઉનડકટ, કરુણ નાયર, કુલદીપ સેન, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, શિવમ માવી, તુષાર દેશપાંડે, ઉમેશ યાદવ અને ઉમરાન મલિક જેવા ભારતીય ખેલાડીઓનાં નામ પણ છે.
27 નવેમ્બર અને 1 ડિસેમ્બર મહત્વની તારીખો
BCCIએ ફ્રેન્ચાઇઝીઓને 27 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીમાં એવા ખેલાડીઓનાં નામ મોકલવા કહ્યું છે, જેઓ પ્રારંભિક યાદીમાં નથી પરંતુ ટીમો તેમને હરાજીમાં સામેલ કરવા માગે છે.
ત્યારબાદ 1 ડિસેમ્બર સુધીમાં દરેક ફ્રેન્ચાઇઝીએ પ્રારંભિક યાદીમાંથી પોતાના પસંદગીના ખેલાડીઓનાં નામ આપવાનાં રહેશે. આ તમામ પ્રક્રિયા બાદ હરાજીની અંતિમ યાદી તૈયાર થશે.
હવે 1,220 ખેલાડીઓમાંથી કયા 66 ખેલાડીઓને IPLની ટીમોમાં સ્થાન મળે છે અને બેન સ્ટોક્સ માટે કઈ ફ્રેન્ચાઇઝી સૌથી મોટી બોલી લગાવે છે તે જોવું રસપ્રદ રહેશે.









