શેખ હસીનાની વાપસી પહેલાં બાંગ્લાદેશમાં રાજકીય ભૂકંપ, અવામી લીગનું 2 દિવસના લૉકડાઉનનું એલાન

27 અને 28 નવેમ્બરે દેશવ્યાપી લૉકડાઉન રાખવાની જાહેરાત સાથે અવામી લીગે સરકાર સામે આઠ માગણીઓ રજૂ કરી છે. પાર્ટી પરનો પ્રતિબંધ દૂર કરવા, રાજકીય કેદીઓને મુક્ત કરવા અને શેખ હસીના સહિતના નેતાઓ સામેના કેસ પાછા ખેંચવાની માગ ઉઠાવી છે.

બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના પરત ફરવાના એલાન બાદ રાજકીય હલચલ તેજ બની છે. દેશના અલગ-અલગ વિસ્તારોમાં તણાવ અને હિંસાની સ્થિતિ વચ્ચે અવામી લીગે 27 અને 28 નવેમ્બરના રોજ બે દિવસના દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે. આ સાથે પાર્ટીએ સરકાર સમક્ષ આઠ મુદ્દાની માગણીઓ રજૂ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

16 ડિસેમ્બરે શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે?

અવામી લીગના જણાવ્યા મુજબ શેખ હસીના 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાના છે. 1971ના મુક્તિ સંગ્રામની વિજય વર્ષગાંઠના દિવસે તેમની વાપસીના એલાનથી દેશમાં રાજકીય તણાવ વધવાની શક્યતા છે.

શેખ હસીનાની વાપસીના સમર્થનમાં અવામી લીગે પોતાની પ્રવૃત્તિઓ વધારી છે. મંગળવારે પાર્ટીના કાર્યકરોએ મશાલ સરઘસ કાઢ્યું હતું. બુધવારથી વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બની શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જમાત-એ-ઇસ્લામીના પ્રમુખની વડાપ્રધાન સાથે બેઠક

દેશમાં વધતા તણાવ વચ્ચે બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ શફીકુર્રહમાન પણ સ્વદેશ પરત ફરી રહ્યા છે. તેઓ પોતાનો ઑસ્ટ્રેલિયા અને મલેશિયાનો પ્રવાસ ટૂંકાવીને દેશમાં આવી રહ્યા છે.

શફીકુર્રહમાન વડાપ્રધાન તારિક રહેમાન સાથે મુલાકાત કરવાના છે. આ બેઠકમાં શેખ હસીનાની વાપસીના એલાન સહિત બાંગ્લાદેશની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા થવાની છે.

અવામી લીગની સરકાર સામે આઠ માગણીઓ

પાર્ટીએ સરકાર સમક્ષ રજૂ કરેલી માગણીઓમાં રાજકીય સ્વતંત્રતા, નાગરિક સુરક્ષા અને આર્થિક સ્થિતિ સુધારવા પર ભાર મૂક્યો છે.

1. શેખ હસીના અને નેતાઓ સામેના કેસ: શેખ હસીના તથા અવામી લીગના નેતાઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવે અને રાજકીય હેતુથી લેવાયેલા નિર્ણયો રદ કરવામાં આવે.

2. પાર્ટી પરનો પ્રતિબંધ હટાવવો: અવામી લીગને ફરી રાજકીય પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપવામાં આવે અને તેના પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવે.

3. રાજકીય કેદીઓને મુક્ત કરવા: તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવે અને તેમની સામે ચાલી રહેલા કેસોનો અંત લાવવામાં આવે.

4. મોંઘવારી ઘટાડવી: વીજળી, ગેસ, પાણી, ઇંધણ, ખાતર અને જીવનજરૂરી વસ્તુઓના ભાવ ઘટાડીને સામાન્ય લોકોને રાહત આપવામાં આવે.

5. રોજગારીની તકો ઊભી કરવી: બંધ પડેલા ઉદ્યોગો ફરી શરૂ કરવામાં આવે અને બેરોજગાર કામદારોને કામ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.

6. નાગરિકોની સલામતી: હત્યા, દુષ્કર્મ, ખંડણી, લૂંટફાટ અને ગેરકાયદે કબજાની ઘટનાઓ અટકાવવામાં આવે. મહિલાઓ, બાળકો અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

7. પત્રકારો અને અધિકારીઓ સામેના કેસ: લશ્કરી તથા નાગરિક અધિકારીઓ અને પત્રકારો સામેના કથિત ખોટા કેસ પાછા ખેંચવામાં આવે. સાથે જ પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવવામાં આવે.

8. આતંકવાદ અને ઉગ્રવાદ સામે પગલાં: ઉગ્રવાદી અને આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તથા જેલમાંથી મુક્ત કરાયેલા આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓની ફરી ધરપકડ કરવામાં આવે.

આગામી દિવસોમાં સ્થિતિ વધુ તંગ બનવાની આશંકા

અવામી લીગના બે દિવસના લૉકડાઉનના એલાન અને શેખ હસીનાની વાપસીની જાહેરાતથી બાંગ્લાદેશમાં રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. એક તરફ પાર્ટી પોતાની માગણીઓ માટે વિરોધ પ્રદર્શનોની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ સરકાર અને અન્ય રાજકીય પક્ષોનું વલણ પણ મહત્વનું બની રહેશે. હવે 27-28 નવેમ્બરના લૉકડાઉન અને 16 ડિસેમ્બરની જાહેરાતને લઈને દેશની સ્થિતિ કેવી રહે છે તેના પર નજર રહેશે.

Leave a Comment

और पढ़ें