મંદિરમાં આવતાં દાન અને ભેટની ગણતરીમાં પારદર્શકતાના અભાવનો મુદ્દો સામે આવ્યો છે. ઉત્તરાખંડ સરકારને સોંપાયેલા SITના રિપોર્ટમાં બદ્રીનાથ ધામ સહિત દેશનાં અનેક મંદિરોની સુરક્ષા અને સંચાલન વ્યવસ્થામાં સુધારા કરવાની ભલામણ કરાઈ છે.
દેશના મોટા મંદિરોમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાનની સુરક્ષા અને તેની ગણતરીની વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. અયોધ્યાના રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમ અને ભેટમાં હેરફેર થયાનો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT)એ આશરે 300 પાનાનો રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપ્યો છે.
બે કર્મચારીઓની ધરપકડ, 20 લોકોની પૂછપરછ
બદ્રીનાથ ધામમાં આ વર્ષે જુલાઈ મહિનામાં દાનની થાળી અને ભેટની ગણતરીમાં ગેરરીતિ થયાની ફરિયાદ સામે આવી હતી. ત્યારબાદ ઉત્તરાખંડ સરકારે SITની રચના કરી હતી, જ્યારે પોલીસ દ્વારા પણ અલગથી તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ કેસમાં અત્યાર સુધી મંદિર સાથે જોડાયેલા બે કર્મચારીઓ પ્રમોદ નૌટિયાલ અને રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. SITએ મંદિર કમિટીના કર્મચારીઓ અને અધિકારીઓ સહિત આશરે 20 લોકોની પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા.
દેશનાં 14 મંદિરોની વ્યવસ્થાનો અભ્યાસ
SITએ માત્ર બદ્રીનાથ ધામની જ તપાસ કરી નહોતી, પરંતુ ઉત્તર અને દક્ષિણ ભારતનાં આશરે 14 મોટા મંદિરોની વ્યવસ્થાનો પણ અભ્યાસ કર્યો હતો. તેમાં દાનની ગણતરી, રોકડ અને ઘરેણાંની સુરક્ષા, મંદિરનું સંચાલન તથા સુરક્ષા વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
SITની જવાબદારી ગઢવાલ ડિવિઝનલ કમિશનર આનંદ સ્વરૂપને સોંપવામાં આવી હતી. તેમણે PTI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તપાસનો રિપોર્ટ ઉત્તરાખંડ સરકારને સોંપી દેવામાં આવ્યો છે. વિવિધ ધાર્મિક સ્થળોના અભ્યાસના આધારે રિપોર્ટમાં જરૂરી સુધારા માટે ભલામણો કરવામાં આવી છે.
દાનની ગણતરીની પ્રક્રિયા CCTVની દેખરેખ હેઠળ રાખવાની સલાહ
SITએ બદ્રીનાથ ધામમાં દાનની ચોરીની શક્યતાને નકારી નથી. સાથે જ તપાસમાં એવી કેટલીક ખામીઓ સામે આવી છે, જેને દૂર કરવા માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા છે.
રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે દાનમાં મળતાં રોકડા રૂપિયા અને ઘરેણાંની ગણતરી જ્યાં કરવામાં આવે છે તે રૂમમાં કાચની દિવાલો લગાવવામાં આવે, જેથી આસપાસના લોકો પણ સમગ્ર પ્રક્રિયા જોઈ શકે. આ ઉપરાંત ગણતરીના રૂમના દરેક ખૂણે ઉચ્ચ ગુણવત્તાવાળા CCTV કેમેરા લગાવવા અને બનાવટી નોટો ઓળખવા માટે મશીન મૂકવાની સલાહ આપવામાં આવી છે.
અન્ય મંદિરોની સારી વ્યવસ્થા અપનાવવાની ભલામણ
તપાસ દરમિયાન SITને કેટલાક મંદિરોમાં સુરક્ષા અને દાન વ્યવસ્થાની પદ્ધતિ વધુ સારી જોવા મળી હતી. રિપોર્ટમાં આવા મંદિરોની વ્યવસ્થાને અન્ય ધાર્મિક સ્થળોએ પણ અમલમાં મૂકવાની ભલામણ કરવામાં આવી છે.
બદ્રીનાથ ધામમાં દાનની ગણતરી દરમિયાન ગેરરીતિ થયાની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઈ હતી. હવે SITના રિપોર્ટમાં સામે આવેલી ખામીઓ અને સુધારાના સૂચનોને પગલે દેશનાં મોટાં મંદિરોમાં દાનની રકમની સુરક્ષા તથા ગણતરીની પારદર્શકતા અંગે ચર્ચા વધુ તેજ બની છે.









