નવી મુંબઈના મેફકો માર્કેટમાં રાત્રે 9 વાગ્યે આગ ભડકી; આકાશમાં ઊંચા આગના ગોળા દેખાયા, ફાયર બ્રિગેડની 12 ગાડીઓએ કલાકો સુધી કામગીરી કરી
નવી મુંબઈના વાશી સેક્ટર-18 સ્થિત મેફકો માર્કેટ વિસ્તારમાં રવિવારે રાત્રે તેલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. રાત્રે આશરે 9 વાગ્યે લાગેલી આગે ગોડાઉનમાં સંગ્રહિત તેલ અને અન્ય જ્વલનશીલ પદાર્થોને કારણે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ એટલી ઊંચી હતી કે કિલોમીટરો દૂરથી પણ દેખાતી હતી.
આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી
ગોડાઉનમાં તેલનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. આકાશમાં આગના મોટા ગોળા ઉછળતા જોવા મળ્યા હતા. આગની લપેટો નજીકની પ્લાયવુડ અને કુરિયર કંપનીઓ સુધી પણ પહોંચી ગઈ હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ વધુ ફેલાવાની આશંકાને પગલે આસપાસના વિસ્તારોમાં ચિંતા ફેલાઈ હતી. ગોડાઉનમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ પર કાબૂ મેળવવો ફાયર વિભાગ માટે પડકારજનક બન્યો હતો.
ફાયર બ્રિગેડની 10થી 12 ગાડીઓએ સંભાળ્યો મોરચો
ઘટનાની જાણ થતાં જ નવી મુંબઈ ફાયર બ્રિગેડની 10થી 12 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ગોડાઉરની ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
આગ નજીકની અન્ય કંપનીઓ અને ગોડાઉન સુધી ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ફાયર જવાનોએ આખી રાત સતત કામગીરી કરીને આગને વધુ વિકરાળ બનતી અટકાવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
રાત્રિના સમયે ઘટના બનતાં મોટી જાનહાનિ ટળી
આગની ઝપેટમાં તેલના ગોડાઉન ઉપરાંત બાજુમાં આવેલી પ્લાયવુડ અને કુરિયર કંપનીઓ પણ આવી હતી. જોકે, સદનસીબે રાત્રિના સમયે કંપનીઓમાં કોઈ કામદારો હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનામાં કોઈ વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી સામે આવી નથી.
આમ, વાશીના મેફકો માર્કેટ વિસ્તારમાં તેલના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે ભારે નુકસાન અને ભયનો માહોલ સર્જ્યો હતો. ફાયર બ્રિગેડની લાંબી કામગીરી બાદ આગ કાબૂમાં આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.









