ઝારખંડના મધુબન નજીક બસ વૃક્ષ સાથે અથડાઈ ખાડામાં લટકી ગઈ; 12થી વધુ યાત્રાળુઓ ઘાયલ, બેની હાલત ગંભીર
ઝારખંડમાં પારસનાથ શિખરજીની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા ગુજરાતના જૈન શ્રદ્ધાળુઓની બસ ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. મધુબન પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણ નિકેતન નજીક બસ ચાલકે કાબૂ ગુમાવતાં બસ રસ્તાની બાજુમાં આવેલા વૃક્ષ સાથે અથડાઈ હતી. ત્યારબાદ બસ ખાડામાં એક તરફ નમીને લટકી ગઈ હતી. આ દુર્ઘટનામાં સુરતના બાબુલાલ વંશરાજ જૈન અને તેમનાં પત્ની બદામી દેવીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે 12થી વધુ યાત્રાળુઓ ઘાયલ થયા હતા.
10 વાહનોના કાફલા સાથે યાત્રાએ પહોંચ્યા હતા શ્રદ્ધાળુઓ
મળતી માહિતી અનુસાર, ગુજરાતના જૈન શ્રદ્ધાળુઓનું એક જૂથ રવિવારે પારસનાથ શિખરજીની યાત્રા માટે પહોંચ્યું હતું. આ જૂથમાં કુલ 10 વાહનો સામેલ હતાં. યાત્રા પૂર્ણ કર્યા બાદ મોડી રાત્રે તમામ શ્રદ્ધાળુઓ શિખરજીથી ટાટા જતી ટ્રેન પકડવા માટે રવાના થયા હતા.
આ દરમિયાન જૂથમાં સામેલ એક બસ મધુબન પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણ નિકેતન નજીક અકસ્માતનો ભોગ બની હતી. મુસાફરોથી ભરેલી બસ અચાનક અનિયંત્રિત થઈ રસ્તાની બાજુમાં આવેલા વૃક્ષ સાથે જોરદાર રીતે અથડાઈ હતી.
બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, મુસાફરો અંદર ફસાયા
વૃક્ષ સાથે અથડાયા બાદ બસ વિપરીત દિશામાં ફંટાઈને રસ્તા કિનારે આવેલા ખાડામાં એક તરફ નમીને લટકી ગઈ હતી. અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
અકસ્મત થતાં જ બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. અનેક મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા. કેટલાક ઘાયલ મુસાફરો બારીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે અન્ય લોકોને બહાર કાઢવા માટે મદદની જરૂર પડી હતી. ઘટનાસ્થળે મુસાફરોની ચીસોથી ગભરાટનો માહોલ સર્જાયો હતો.
સુરતના દંપતીએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો
આ દુર્ઘટનામાં સુરતના રહેવાસી બાબુલાલ વંશરાજ જૈન અને તેમનાં પત્ની બદામી દેવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી બેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
શિખરજીની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ સાથે બનેલી આ દુર્ઘટનાથી યાત્રા જૂથમાં શોકની લાગણી ફેલાઈ હતી.
પોલીસ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા બચાવ કામગીરી
અકસ્મતની જાણ થતાં જ મધુબન પોલીસ સ્ટેશનના પ્રભારી મણિલાલ સિંહ, ડુમરી એસડીઓપી આબિદ ખાન, પીરટાંડ પોલીસ સ્ટેશનના પ્રભારી જિતેન્દ્ર સિંહ સહિત આસપાસનાં પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
સ્થાનિક ગ્રામજનો પણ તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. પોલીસ અને ગ્રામજનોએ ભારે જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ઘાયલોને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની મદદથી પીરટાંડ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા.
જૈન સમાજમાં શોકની લાગણી
પવિત્ર શિખરજીની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને નડેલા અકસ્માતમાં સુરતના દંપતીનાં મોત થતાં જૈન સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય યાત્રાળુઓની સારવાર માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.









