પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં વડાપ્રધાનનું સંબોધન, કહ્યું – મર્યાદિત વિચારસરણી ધરાવતા લોકો જિંદગી જીવી શકતા નથી, અસંભવ સામે લડવા યુવાનોને કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી એટલે કે 75 વર્ષ પૂર્ણ થવાના સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સંસ્થાનાં 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્મારક સિક્કો જાહેર કર્યો હતો. પોતાના સંબોધનમાં વડાપ્રધાને યુવાનોને પડકારોનો સામનો કરવા, નવીન વિચારો અપનાવવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
‘મરી ગયેલી વિચારસરણી ધરાવતા લોકો જિંદગી જીવી શકતા નથી’
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, હું પડકારોને પડકાર આપું છું. મરી ગયેલી વિચારસરણી ધરાવતા લોકો જિંદગી જીવી શકતા નથી. અસંભવ સામે ખુદને તૈયાર કરો. તેમણે યુવાનોને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આગળ વધવાનો સંદેશ આપ્યો હતો.
સ્પેસ સેક્ટરમાં યુવાનો માટે નવી તકો ઊભી કરી
વડાપ્રધાને જણાવ્યું હતું કે, અગાઉ આપણા દેશમાં સ્પેસ સેક્ટરમાં માત્ર ઈસરોનું એક જ પ્લેટફોર્મ હતું અને ત્યાં પ્રવેશ મર્યાદિત હતો. ઈસરોની બહારના યુવાનોને આ ક્ષેત્રમાં તક મળતી નહોતી. મેં મંત્રાલયને સૂચના આપી હતી કે આ સેક્ટરમાં યુવાનોને પણ તક મળવી જોઈએ. ત્યારબાદ અમે આ ક્ષેત્ર નવયુવાનો માટે ખુલ્લું કર્યું.
સેમીકન્ડક્ટર મિશન શરૂ કર્યું ત્યારે પણ સવાલો ઉઠ્યા
PM મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે મેં સેમીકન્ડક્ટર મિશન શરૂ કર્યું ત્યારે અનેક સવાલો ઉઠ્યા હતા કે આની શું જરૂરિયાત છે? દુનિયાના અન્ય દેશો સેમીકન્ડક્ટર બનાવી રહ્યા છે તો આપણે બનાવીને શું હાંસલ કરીશું? જોકે, ભારતે આ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા વિકસાવવા માટે આગળ વધવાનો નિર્ણય કર્યો.
50 વર્ષ પહેલાં સેમીકન્ડક્ટર બનાવવાની તક ગુમાવી હતી
વડાપ્રધાને કહ્યું હતું કે, લગભગ 50 વર્ષ પહેલાં ભારતમાં એક કંપની સેમીકન્ડક્ટર બનાવવા આવી હતી, પરંતુ તેને લાલ ઝંડી બતાવીને રોકી દેવામાં આવી હતી. જ્યારે હું આવ્યો ત્યારે ખુદ અધિકારીઓ સાથે બેસીને આ ક્ષેત્રને લગતી ફાઇલો તૈયાર કરાવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ચાર વર્ષમાં ભારતમાં અનેક સેમીકન્ડક્ટર ફેસિલિટી શરૂ થઈ છે. કેટલાક લોકો પોતાની વિચારસરણી પર મર્યાદા મૂકી દે છે અને તેના કારણે પોતાના સપના, પ્રતિભા તથા દેશની ક્ષમતાને પણ મર્યાદિત કરી દે છે.
IIT ખડગપુરના એન્જિનિયરોએ દેશના વિકાસમાં આપ્યું યોગદાન
વડાપ્રધાને જણાવ્યું હતું કે, IIT ખડગપુરે જ્યારે પોતાની યાત્રા શરૂ કરી ત્યારે દેશમાં પહેલી ચૂંટણી પણ યોજાઈ નહોતી. તે સમયે ભારતને એન્જિનિયરોની જરૂર હતી અને અહીંથી અભ્યાસ કરીને બહાર આવેલા એન્જિનિયરોએ દેશના વિકાસમાં યોગદાન આપ્યું હતું. ત્યારબાદ સોફ્ટવેર ડેવલપમેન્ટનો યુગ આવ્યો અને સંસ્થાના વિદ્યાર્થીઓએ આ ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ નિહાળ્યા, સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IIT ખડગપુરના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમના પ્રોજેક્ટ વિશે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે IIT ખડગપુરના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીને સ્મૃતિચિહ્ન પણ અર્પણ કર્યું હતું.









