ICMRના દેશવ્યાપી અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, ગંભીર ફંગલ ઇન્ફેક્શનથી પીડિત દર્દીઓમાં મૃત્યુદર 53.6 ટકા નોંધાયો
હોસ્પિટલોના ICUમાં દાખલ ગંભીર દર્દીઓ માટે ફંગલ સંક્રમણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)ના દેશવ્યાપી અભ્યાસમાં સામે આવ્યું છે કે ગંભીર ફંગલ સંક્રમણથી પીડિત 53.6 ટકા દર્દીઓનાં હોસ્પિટલમાં જ મોત થયાં હતાં. એટલે કે દર 100 સંક્રમિત દર્દીઓમાંથી આશરે 54 દર્દીઓના જીવ બચાવી શકાયા નહોતા. આ સંશોધન તાજેતરમાં મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ રિજનલ હેલ્થ સાઉથ ઈસ્ટ એશિયા’માં પ્રકાશિત થયું છે.
દેશનાં 63 ICUના 1.78 લાખ દર્દીઓના ડેટાનું વિશ્લેષણ
આ અભ્યાસમાં દેશનાં 63 ICUમાં દાખલ 1,78,417 દર્દીઓના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 2,500 દર્દીઓમાં ગંભીર ફંગલ સંક્રમણની પુષ્ટિ થઈ હતી. દર 1,000 ICU એડમિશનમાં લગભગ 14 દર્દીઓ આ સંક્રમણથી પીડિત જોવા મળ્યા હતા. આ અભ્યાસમાં પાંચ ભૌગોલિક ક્ષેત્રોનાં આઠ તબીબી કેન્દ્રોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કેન્ડીડા સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા
અભ્યાસમાં કુલ કેસમાંથી 57.1 ટકા ઈનવેસિવ કેન્ડિડિયાસિસ અને 37 ટકા ઈનવેસિવ એસ્પરજિલોસિસના હતા. જ્યારે 3.4 ટકા કેસ અન્ય પ્રકારના ફંગલ સંક્રમણના નોંધાયા હતા. ઈનવેસિવ ફંગલ સંક્રમણમાં ફંગસ શરીરના આંતરિક અંગો અથવા લોહી સુધી પહોંચી શકે છે, જેના કારણે દર્દીની સ્થિતિ ગંભીર બની શકે છે.
સેપ્સિસ અને લીવરની બીમારીથી જોખમ વધે છે
અભ્યાસ મુજબ, કેન્ડીડા સંક્રમણથી પીડિત દર્દીઓમાં સેપ્સિસ, લીવરની બીમારી અને સ્ટેરોઈડનો ઉપયોગ મૃત્યુનું પ્રમાણ વધારનારા મહત્ત્વના પરિબળો છે. ખાસ કરીને પહેલેથી ગંભીર બીમારીઓથી પીડિત અને ICUમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આ સંક્રમણ વધુ જોખમી બની શકે છે.
સમયસર તપાસ અને સારવાર પર સંશોધકોનો ભાર
સંશોધકોએ PCR જેવી ઝડપી તપાસ ટેકનિકોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત દર્શાવી છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં સંક્રમણ નિયંત્રણની વ્યવસ્થા મજબૂત કરવા અને એન્ટી-ફંગલ દવાઓના ઉપયોગની નિયમિત દેખરેખ રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
સમયસર સંક્રમણની ઓળખ, યોગ્ય દવાઓ અને બહેતર તબીબી દેખરેખથી સારવારમાં સુધારો થઈ શકે છે. અભ્યાસમાં ICUમાં દાખલ ગંભીર દર્દીઓ માટે ફંગલ સંક્રમણની વહેલી ઓળખ અને યોગ્ય સારવારને અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવવામાં આવી છે.









