મણિપુરમાં ઝેરી દારૂ પીવાથી 15નાં મોત, 181 હોસ્પિટલમાં દાખલ

ચંદેલ જિલ્લામાં મેથેનોલ પોઈઝનિંગથી હાહાકાર; મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા, દોષિતોને કડક સજાની ખાતરી

મણિપુરના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 15 થયો છે, જ્યારે 181 અસરગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને પગલે મુખ્યમંત્રી ખેમચંદ યુમનામે શિજા અને બબીના હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની સ્થિતિની માહિતી મેળવી હતી.

દર્દીઓ માટે ખાસ મેડિકલ ટીમ રવાના

મુખ્યમંત્રીએ બંને હોસ્પિટલના વહીવટી તંત્રને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા સૂચના આપી છે. ચંદેલ જિલ્લામાં રાહત અને સારવાર કામગીરી ઝડપી બનાવવા જનરલ મેડિસિનના નિષ્ણાતના નેતૃત્વમાં જરૂરી દવાઓ સાથે ખાસ મેડિકલ ટીમ પણ રવાના કરવામાં આવી છે. શિજા હોસ્પિટલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડો. ચેતન ખુંડોંગબામના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આ મેથેનોલ પોઈઝનિંગનો મામલો હોવાનું સામે આવ્યું છે.

ત્રણ દર્દીઓની હાલત ગંભીર

શિજા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 140 દર્દીઓ સારવાર માટે પહોંચ્યા છે. તેમાંથી એક દર્દીને મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. હાલમાં ત્રણ દર્દીઓની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમનું હિમોડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે.

સુગનૂ વિસ્તારમાંથી ખરીદાયો હતો શંકાસ્પદ દારૂ

ચંદેલ જિલ્લાના પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ, મૃતકોએ પીધેલો શંકાસ્પદ દારૂ કાકચિંગ જિલ્લાના સુગનૂ વિસ્તારમાંથી ખરીદવામાં આવ્યો હતો. પોલીસે લોકોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી સ્થાનિક સ્તરે બનેલા દારૂનું સેવન નહીં કરવા અપીલ કરી છે. બીજી તરફ, મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Leave a Comment

और पढ़ें