ચોટીલાની વાડીમાં ગાંજાના 130 છોડ મળી આવ્યા, રૂ.59 લાખનો મુદ્દામાલ જપ્ત

રામપરા ચોબારી ગામે રાજકોટ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રેડ; 118 કિલો ગાંજાના છોડ સાથે વાડી માલિક ખેડૂત ઝડપાયો

ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગાંજાના ગેરકાયદે વાવેતર સામે પોલીસને મોટી સફળતા મળી છે. રામપરા ચોબારી ગામની સીમમાં આવેલી એક વાડીમાં રાજકોટ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે દરોડો પાડીને ગાંજાના 130 લીલા છોડ કબજે કર્યા હતા. અંદાજે 118 કિલોગ્રામ વજન ધરાવતા આ છોડની કિંમત રૂ.59 લાખ આંકવામાં આવી છે. પોલીસે વાડીના માલિક ભરત માવજી બાવળીયાની ધરપકડ કરી છે.

પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં કાર્યવાહી

રાજકોટ ઝોનના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને પીઆઈ જે.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન રામપરા ચોબારી ગામની સીમમાં આવેલી એક વાડીમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી.

પોલીસે બાતમીની તપાસ કરી તેની ખરાઈ કર્યા બાદ વાડીમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતાં ગાંજાના છોડનું વાવેતર મળી આવતાં પોલીસ પણ કાર્યવાહી માટે સક્રિય બની હતી.

118 કિલોના 130 લીલા છોડ કબજે

વાડીમાંથી મૂળિયા સહિતના કુલ 130 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. તમામ છોડનું વજન 118 કિલોગ્રામ થયું હતું અને તેની અંદાજિત કિંમત રૂ.59 લાખ ગણવામાં આવી હતી. પોલીસે ગાંજાના છોડ કબજે કરી વાવેતર અંગેની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

ખેડૂત સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી

આ કેસમાં પોલીસે વાડીના માલિક ભરત માવજી બાવળીયા, રહેવાસી રામપરા ચોબારી, ચોટીલાની ધરપકડ કરી હતી. રાજકોટ ઝોનના પીઆઈ જે.જે. ચૌહાણે ફરિયાદ નોંધાવી આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

સમગ્ર પ્રકરણની વધુ તપાસ અને આગળની કાર્યવાહી સુરેન્દ્રનગરના આણંદપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. ગામની સીમમાં ગાંજાના આટલા મોટા જથ્થાનું વાવેતર ઝડપાતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Leave a Comment

और पढ़ें