ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વન-ડેમાં મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં જ બોલ્ડ કર્યો; સચિન જેટલી 20 ડક નોંધાવી, પરંતુ 142 મેચ ઓછી રમી
વિરાટ કોહલીના નામે વન-ડે ક્રિકેટમાં વધુ એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ચોથી વન-ડેમાં કોહલી ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થતાં વન-ડેમાં 20મી વખત ડક પર આઉટ થયો છે. આ સાથે તેણે ભારત તરફથી વન-ડેમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે.
પ્રથમ ઓવરમાં જ મેટ હેનરીએ કર્યો શિકાર
મેચની શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરીએ કોહલીને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવતાં કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આ તેની વન-ડે કારકિર્દીની 20મી ડક બની હતી.
સચિન કરતાં 142 મેચ ઓછી રમીને બરાબરી
સચિન તેંડુલકર પોતાની 463 વન-ડે મેચની કારકિર્દીમાં 20 વખત શૂન્ય પર આઉટ થયા હતા. બીજી તરફ, વિરાટ કોહલીએ 2008માં ડેબ્યૂ કર્યા બાદ 321 મેચની 308 ઇનિંગ્સમાં 20 ડક નોંધાવી છે. એટલે કે સચિન કરતાં 142 મેચ ઓછી રમીને કોહલી આ અનિચ્છનીય રેકોર્ડની બરાબરી પર પહોંચ્યો છે.
યુવરાજ અને રોહિતના નામે 18-18 ડક
ભારતીય ખેલાડીઓની યાદીમાં યુવરાજ સિંહ અને રોહિત શર્મા 18-18 વખત શૂન્ય પર આઉટ થવાના આંકડા સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે. યુવરાજે 301 મેચમાં, જ્યારે રોહિતે 295 મેચમાં આ આંકડો નોંધાવ્યો છે. સૌરવ ગાંગુલી 308 મેચમાં 16 વખત ડક પર આઉટ થયા હતા.
છેલ્લી ચાર ઇનિંગ્સમાં બીજી વખત ખાતું ખોલાવી શક્યો નહીં
વિરાટ કોહલી વર્ષ 2010માં ઝિમ્બાબ્વે સામે રનઆઉટ થઈને પ્રથમ વખત વન-ડેમાં શૂન્ય પર આઉટ થયો હતો. તાજેતરના પ્રદર્શનની વાત કરીએ તો છેલ્લી ચાર ઇનિંગ્સમાં તે બીજી વખત ડક પર આઉટ થયો છે. આ પહેલાં વેસ્ટ ઇન્ડિઝ સામેની છેલ્લી વન-ડેમાં પણ કોહલી ખાતું ખોલાવી શક્યો નહોતો.









