ગોંડલમાં ઈ-ચલણના નામે સાયબર ફ્રોડ: કપડાના વેપારીના ખાતામાંથી રૂ.2.76 લાખની ચોરી

અજાણ્યા નંબર પરથી આવેલી લિંક ખોલતાં મોબાઈલનું એક્સેસ હેકર્સને મળ્યું; સાત ટ્રાન્ઝેક્શન કરી રકમ ઉપાડી

ગોંડલમાં સાયબર ઠગોએ ઈ-ચલણ ભરવાના બહાને કપડાના વેપારી સાથે છેતરપિંડી કરી રૂ.2,76,777 ઉપાડી લીધા હતા. અજાણ્યા નંબર પરથી કારના ચલણ અંગેનો મેસેજ આવ્યા બાદ વેપારીએ તેમાં આપેલી લિંક ખોલી હતી. ત્યારબાદ તેમનો મોબાઈલ હેક થઈ ગયો અને ઠગોએ મોબાઈલનું એક્સેસ મેળવી સાત અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા બેંક ખાતામાંથી નાણાંની ઉઠાંતરી કરી હતી. આ અંગે ગોંડલ સિટી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કારના ચલણના નામે આવ્યો મેસેજ

ગોંડલની મોટી બજાર વિસ્તારમાં પારેખ શેરીમાં રહેતા 53 વર્ષીય યુસુફભાઈ રઉફભાઈ નુરસુમાર દેવપરા વિસ્તારમાં મીરબાહ ગારમેન્ટ નામની કપડાની દુકાન ચલાવે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 8ના રોજ તેમના મોબાઈલ પર 082270 13659 નંબર પરથી એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. તેમાં તેમની ગ્રાન્ડ વિટારા કાર નંબર GJ-03-PD-9206ના ચલણ અંગેની વિગતો હતી. ચલણ ભરવા માટે મેસેજમાં લિંક આપવામાં આવી હોવાથી તેમણે તેના પર ક્લિક કર્યું હતું.

મોબાઈલ હેંગ થતાં છેતરપિંડીનો ખુલાસો

ગત તા. 11ના રોજ વેપારીએ ગૂગલ પે મારફતે પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પેમેન્ટ થયું નહોતું. સાંજે એક વેપારી પાસેથી રૂ.8,300 તેમના ખાતામાં જમા થયા હતા. ત્યારબાદ તેઓ કડિયા સ્ટાર સિલેક્શન ખાતે હતા ત્યારે તેમનો મોબાઈલ અચાનક હેંગ થઈ ગયો હતો.

આ દરમિયાન બેંક ખાતામાંથી સાત અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થયા અને કુલ રૂ.2,76,777 ઉપડી ગયા હતા. આથી વેપારીને પોતે સાયબર ઠગાઈનો ભોગ બન્યાની જાણ થઈ હતી.

સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ, પોલીસ તપાસમાં

બનાવની જાણ થતાં વેપારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરીને અરજી નોંધાવી હતી. અરજીના આધારે ગોંડલ સિટી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઈ-ચલણના નામે મોકલવામાં આવેલી લિંક દ્વારા થયેલી આ છેતરપિંડીમાં સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Comment

और पढ़ें