કોરોનાના નવા વેરિઅન્ટ PJ.2.1નો ફેલાવો વધ્યો : એશિયાઈ દેશોમાં એલર્ટ

કેનેડામાં સૌપ્રથમ ઓળખાયેલો વેરિઅન્ટ અમેરિકા સહિત અનેક દેશોમાં પહોંચ્યો; વાયરસના બદલાતા સ્વરૂપને લઈને વૈજ્ઞાનિકો સાવચેત

ટોરન્ટો : કોરોના મહામારીનું સંકટ ઘટ્યું હોવા છતાં વાયરસના નવા સ્વરૂપો સમયાંતરે સામે આવી રહ્યાં છે. તાજેતરમાં કોવિડ-19ના નવા વેરિઅન્ટ PJ.2.1ના સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમી દેશો બાદ હવે એશિયાના કેટલાક દેશોમાં પણ આ વેરિઅન્ટના કેસ નોંધાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. વાયરસના ફેલાવા અને તેના મ્યુટેશનને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાતો તેના પર નજર રાખી રહ્યા છે.

કેનેડામાં સૌપ્રથમ મળી આવ્યો હતો વેરિઅન્ટ

વૈજ્ઞાનિક અહેવાલ મુજબ, PJ.2.1 વેરિઅન્ટ સૌપ્રથમ 2 મે, 2026ના રોજ કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ આ વેરિઅન્ટ કેનેડાની બહાર ફેલાઈને અમેરિકામાં પહોંચ્યો હતો. 30 જૂને ન્યૂયોર્ક શહેરના એક દર્દીમાં તેની પુષ્ટિ થઈ હતી.

ત્યારબાદ કેલિફોર્નિયા, એરિઝોના, ફ્લોરિડા અને કોલોરાડો સહિત અમેરિકાના વિવિધ વિસ્તારોમાં પણ આ વેરિઅન્ટના કેસ સામે આવ્યા હોવાનું જણાવાયું છે.

એશિયા સહિત અનેક દેશોમાં પહોંચ્યો

કેનેડા અને અમેરિકા બાદ PJ.2.1 વેરિઅન્ટ સિંગાપોર સહિતના એશિયાઈ દેશોમાં પણ પહોંચ્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયલ, ફ્રાન્સ અને સ્પેનમાં પણ તેની હાજરી નોંધાઈ હોવાનું જણાવાયું છે. વિવિધ દેશોમાં તેના ફેલાવાને કારણે વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતો તેના સ્વરૂપ તથા સંક્રમણની ક્ષમતા અંગે અભ્યાસ કરી રહ્યા છે.

‘સોલ્ટેશન’ વેરિઅન્ટ તરીકે ઓળખ

વૈજ્ઞાનિકો આ નવા પ્રકારને ‘સોલ્ટેશન’ વેરિઅન્ટ તરીકે ઓળખાવી રહ્યા છે. સામાન્ય રીતે વાયરસ લાંબા સમય સુધી ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરમાં રહે ત્યારે તેમાં મોટા અને જટિલ મ્યુટેશન થઈ શકે છે. આવા ફેરફારોના કારણે વાયરસની લાક્ષણિકતાઓમાં બદલાવ આવી શકે છે અને તે રોગપ્રતિકારક શક્તિ સામે ટકી રહેવાની ક્ષમતા મેળવી શકે છે.

અન્ય કોવિડ વેરિઅન્ટ્સનો પણ અભ્યાસ

અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ BA.3.2.2, LP.8.1, NB.1.8.1 અને XFG સહિતના અન્ય કોવિડ વેરિઅન્ટ્સની પણ તપાસ કરી હતી. અહેવાલ મુજબ, આ પ્રકારો વિશ્વના અલગ-અલગ વિસ્તારોમાં પ્રાદેશિક સ્તરે સતત બદલાતા રહે છે.

અભ્યાસમાં રસીના એન્ટિબોડીઝ PJ.2.1 સામે કેટલા અસરકારક છે તે અંગે પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. કેટલાક જૂના વેરિઅન્ટ્સની સરખામણીમાં એન્ટિબોડીની અસરકારકતા અંગે અલગ તારણો નોંધાયા હોવાનું જણાવાયું છે. નવા વેરિઅન્ટ અંગે વધુ માહિતી અને તેના સ્વાસ્થ્ય પર થતી અસરો જાણવા વૈજ્ઞાનિક અભ્યાસ ચાલુ છે.

Leave a Comment

और पढ़ें