ઇન્દિરા, સંજય અને રાજીવ ગાંધીનાં મૃત્યુ અંગે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ; કેપ્ટન અતુલ શર્માની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્યો
શિમલા : ગાંધી પરિવાર અંગે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટને લઈને ભાજપનાં સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સામે હિમાચલ પ્રદેશના શિમલામાં FIR નોંધવામાં આવી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે કંગનાની પોસ્ટમાં પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને તેમના પુત્રો સંજય ગાંધી તથા રાજીવ ગાંધીનાં મૃત્યુ અંગે ઉશ્કેરણીજનક અને વાંધાજનક વાતો કરવામાં આવી હતી.
શિમલાના પોલીસ અધિક્ષક ગૌરવ સિંહે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસી કેપ્ટન અતુલ શર્માની ફરિયાદના આધારે કેસ નોંધાયો છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 196, 353 અને 356 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ શરૂ કરી છે.
10 નવેમ્બરની પોસ્ટને લઈને ફરિયાદ
ફરિયાદી અતુલ શર્માના જણાવ્યા મુજબ, કંગના રનૌતે 10 નવેમ્બરે પોતાના વેરિફાઇડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી. તેમાં ગાંધી પરિવારના સભ્યોનાં મૃત્યુ અંગે ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો આરોપ છે.
શર્માએ પોલીસ મહાનિર્દેશકને ઈમેઇલ દ્વારા ફરિયાદ મોકલીને કંગના સામે તાત્કાલિક FIR નોંધવા અને પોસ્ટની નિર્ધારિત સમયમર્યાદામાં સાયબર ફોરેન્સિક તપાસ કરાવવાની માગ કરી હતી. તેમની ફરિયાદ ગુરુવારે રાત્રે 7:51 વાગ્યે મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.
સોનિયા ગાંધી અંગેના દાવા સામે પણ વાંધો
ફરિયાદમાં જણાવ્યા મુજબ, પોસ્ટમાં કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીને રહસ્યમય વિદેશી નાગરિક તરીકે રજૂ કરવામાં આવ્યાં હતાં. ફરિયાદીનો આરોપ છે કે પોસ્ટમાં તેમના સંબંધીઓની હત્યા અને ત્યારબાદ સત્તા સુધી પહોંચવા અંગેના દાવા કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, સંજય ગાંધીનાં મૃત્યુ બાદ મેનકા ગાંધીને અચાનક પારિવારિક નિવાસસ્થાનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યાં હોવાનો દાવો પણ પોસ્ટમાં કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સામાજિક વૈમનસ્ય ફેલાવાની આશંકા
અતુલ શર્માએ ફરિયાદમાં દલીલ કરી છે કે આવી ટિપ્પણીઓથી લોકોમાં ખોટી ધારણાઓ ઊભી થઈ શકે છે. તેમના મતે, આ પ્રકારની પોસ્ટ વિવિધ જૂથો વચ્ચે વૈમનસ્ય વધારી શકે છે અને જાહેર શાંતિ તથા સામાજિક સદભાવને અસર પહોંચાડી શકે છે.
ફરિયાદીએ પોસ્ટમાં ભય અને દહેશત ફેલાવે તેવી ખોટી માહિતી પ્રસારિત કરવાનો પણ આક્ષેપ કર્યો છે. હવે પોલીસ સોશિયલ મીડિયા પોસ્ટ અને ફરિયાદમાં રજૂ કરાયેલા મુદ્દાઓની તપાસ કરશે.









