2020થી 2025 દરમિયાન અનેક દેશોમાં જીવનનિર્વાહનો ખર્ચ 40થી 50 ટકા વધ્યો; ગ્રીસમાં કર્મચારીઓની ખરીદશક્તિમાં 20.7 ટકાનો ઘટાડો
નવી દિલ્હી: પશ્ચિમી દેશોમાં મોંઘવારીની અસર હવે કર્મચારીઓની આવક અને બચત પર સ્પષ્ટ જોવા મળી રહી છે. ટ્રેડિંગ ફર્મ ‘એટમોસ’ના નવેમ્બર 2026ના અભ્યાસ પ્રમાણે, 2020થી 2025ના પાંચ વર્ષમાં અનેક દેશોમાં જીવનનિર્વાહનો ખર્ચ પગારવધારા કરતાં ઘણી ઝડપથી વધ્યો છે. પરિણામે, પગારમાં વધારો થયો હોવા છતાં લોકોની વાસ્તવિક ખરીદશક્તિ ઘટી છે.
ગ્રીસમાં ખરીદશક્તિ પર સૌથી વધુ અસર
અભ્યાસમાં મોંઘવારીને કારણે કામદારોની ખરીદશક્તિને સૌથી વધુ અસર થઈ હોય તેવા 10 દેશોની યાદી આપવામાં આવી છે. તેમાં ગ્રીસ પ્રથમ ક્રમે છે. અહીં સરેરાશ વાર્ષિક પગારમાં 17.1 ટકાનો વધારો થઈને તે 18,800 યુરો થયો છે, જ્યારે જીવનનિર્વાહનો ખર્ચ 47.6 ટકા વધ્યો છે. આ અસંતુલનને કારણે 2020ની સરખામણીએ હાલના પગારમાંથી 20.7 ટકા ઓછો ખર્ચ ઉઠાવી શકાય છે.
આયર્લેન્ડ અને અમેરિકામાં પણ ખર્ચનો બોજ
આયર્લેન્ડમાં જીવનનિર્વાહનો ખર્ચ 50.7 ટકા વધીને વાર્ષિક 27,700 યુરો થયો છે, જ્યારે પગારમાં માત્ર 23.4 ટકાનો વધારો નોંધાયો છે. આ કારણે દેશ યાદીમાં બીજા ક્રમે છે.
અમેરિકા ત્રીજા ક્રમે છે. અહીં સરેરાશ વાર્ષિક પગાર 23.8 ટકા વધીને 87,000 ડોલર થયો છે, પરંતુ જીવનનિર્વાહનો ખર્ચ 43.6 ટકા વધીને 59,500 ડોલર સુધી પહોંચ્યો છે. એટલે પગારમાં થયેલા વધારાની સરખામણીએ રોજિંદા ખર્ચમાં વધુ વધારો થયો છે.
નેધરલેન્ડ્સ અને ઇટાલી પણ ટોપ-5માં
મોંઘવારીની અસર ધરાવતા દેશોની યાદીમાં નેધરલેન્ડ્સ ચોથા અને ઇટાલી પાંચમા ક્રમે છે. નેધરલેન્ડ્સમાં પગારમાં 23.6 ટકાનો વધારો થયો છે, જ્યારે જીવનનિર્વાહનો ખર્ચ 40.4 ટકા વધ્યો છે. ઇટાલીમાં પગાર 19.6 ટકા વધ્યો હોવા છતાં ખર્ચમાં 36.2 ટકાનો ઉછાળો નોંધાયો છે.
સ્પેન, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ પગારવધારાની સરખામણીએ મોંઘવારી વધુ ઝડપથી વધી છે. બીજી તરફ, પોલેન્ડ અને લિથુઆનિયામાં પગાર આશરે 65 ટકા વધ્યો હોવા છતાં જીવનનિર્વાહનો ખર્ચ પણ લગભગ એટલો જ વધ્યો છે. સમગ્ર યુરોપમાં ડેનમાર્કમાં જ પગારવધારો જીવનખર્ચના વધારા કરતાં આશરે એક ટકા વધુ રહ્યો છે.
ઊંચા ભાવથી સામાન્ય પરિવારોની બચત ઘટી
નિષ્ણાતોના મતે, 2022માં મોંઘવારીમાં આવેલા મોટા ઉછાળા બાદ ફુગાવાનો દર ધીમો પડ્યો હોવા છતાં ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. બીજી તરફ, પગારમાં સામાન્ય રીતે વર્ષમાં એક જ વાર વધારો થતો હોવાથી પરિવારો માટે વધતા ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બન્યું છે.
રોજિંદા જીવનની જરૂરિયાતો પાછળ આવકનો મોટો હિસ્સો ખર્ચાઈ જતાં બચત માટેની રકમ ઘટી રહી છે. તેની અસર લાંબા ગાળાના રોકાણ અને નાણાકીય આયોજન પર પણ પડી રહી છે. આ અભ્યાસ મુજબ, મોંઘવારી સામે પગારવધારો પૂરતો ન હોય ત્યારે કર્મચારીઓની આવક વધવા છતાં તેમની જીવનશૈલી અને ખરીદશક્તિ પર દબાણ યથાવત રહે છે.









