પ્રથમ વખત તમામ રાજ્યોમાં એકસમાન પદ્ધતિથી તપાસ; ડિસ્કોમની રૂ.3.41 લાખ કરોડથી વધુની ખોટ અને રૂ.7.26 લાખ કરોડના દેવાની સ્થિતિનું મૂલ્યાંકન થશે
નવી દિલ્હી: દેશના વીજ વિતરણ ક્ષેત્રની નાણાકીય સ્થિતિ અને કામગીરીની સમીક્ષા કરવા માટે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા મોટું રાષ્ટ્રવ્યાપી ઓડિટ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત દેશની 39 જાહેર ક્ષેત્રની વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ) અને પાંચ પાવર વિભાગોની તપાસ કરવામાં આવશે. 28 અધિકારીઓની ટીમ છેલ્લા પાંચ વર્ષના ડેટાનું વિશ્લેષણ કરશે અને તેના આધારે રાજ્યવાર અહેવાલો તૈયાર કરવામાં આવશે.
ચાર વર્ષમાં સમગ્ર પાવર સેક્ટરની તપાસ
કેગ દ્વારા પ્રથમ વખત દેશનાં તમામ રાજ્યોમાં એકસમાન પદ્ધતિથી વીજ ક્ષેત્રનું સંકલિત ઓડિટ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં વીજ વિતરણ કંપનીઓની કામગીરી તપાસવામાં આવશે. ત્યારબાદ આગામી ચાર વર્ષની યોજનામાં વીજ ટ્રાન્સમિશન, પાવર જનરેશન અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને પણ આવરી લેવામાં આવશે. ઓડિટના રાજ્યવાર અહેવાલો આવતા વર્ષે રજૂ થવાની શક્યતા છે.
ATC નુકસાનથી લઈને વીજ બિલની વસૂલાત સુધી તપાસ
વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતા માપવા માટે ઓડિટમાં અનેક મહત્ત્વના પાસાઓની તપાસ થશે. તેમાં એગ્રીગેટ ટેકનિકલ એન્ડ કોમર્શિયલ (ATC) નુકસાન, બિલિંગની કાર્યક્ષમતા, ગ્રાહકો પાસેથી નાણાંની વસૂલાત, વીજ પુરવઠાની ગુણવત્તા અને ટૂંકા ગાળાની વીજ ખરીદીનો સમાવેશ થાય છે.
વીજ સેવાઓ અંગે ગ્રાહકોનો અનુભવ જાણવા માટે દેશભરના અંદાજે 10 હજાર ગ્રાહકોના અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યા છે. આ સર્વેના આધારે વીજ પુરવઠાની ગુણવત્તા અને ગ્રાહકોના સંતોષનું મૂલ્યાંકન કરવામાં આવશે.
ડિસ્કોમની ખોટ અને દેવામાં સતત વધારો
કેગના પ્રાથમિક તારણો મુજબ, વીજ વિતરણ કંપનીઓની નાણાકીય મુશ્કેલીઓ પાછળ નબળું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, મીટરિંગની ખામીઓ અને વીજ ખરીદીના આયોજનમાં રહેલી ક્ષતિઓ મહત્ત્વનાં કારણો છે.
માર્ચ 2025ના અંત સુધીમાં દેશની ડિસ્કોમ કંપનીઓની સંચિત ખોટ રૂ.3.41 લાખ કરોડથી વધુ થઈ હતી. જ્યારે તેમનું કુલ બાકી દેવું રૂ.7.26 લાખ કરોડને પાર પહોંચી ગયું હતું. આ દેવા પર રૂ.77,653 કરોડનું વ્યાજ ચૂકવવાનો બોજ પણ કંપનીઓ પર છે. સરકારી ગ્રાન્ટનો મોટો હિસ્સો નવા રોકાણ અને વિકાસકાર્યોને બદલે જૂની ખોટ, દેવું અને વ્યાજની ચુકવણીમાં વપરાઈ રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
RDSS યોજનાની કામગીરીની પણ સમીક્ષા થશે
કેન્દ્ર સરકારની ‘રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ’ (RDSS)ના અમલીકરણની સમીક્ષા પણ આ ઓડિટનો ભાગ રહેશે. તપાસના અહેવાલો સંબંધિત રાજ્યોની વિધાનસભાઓમાં રજૂ કરવામાં આવશે, જ્યારે વીજ ક્ષેત્રમાં જરૂરી નીતિગત સુધારા માટે કેન્દ્રીય ઊર્જા મંત્રાલયને પણ તારણોની જાણ કરવામાં આવશે.
ગુજરાતની વીજ કંપનીઓ પણ ઓડિટના દાયરામાં
ઓડિટની વ્યૂહરચના તૈયાર કરવા માટે IIM અમદાવાદ જેવી સંસ્થાઓની મદદ લેવામાં આવી છે. તાજેતરના રેટિંગમાં ગુજરાતની વીજ કંપનીઓ ટોચના પ્રદર્શન કરનારા રાજ્યોમાં સામેલ રહી છે. દેશવ્યાપી ઓડિટથી વિવિધ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓની કામગીરી, નાણાકીય વ્યવસ્થાપન અને ગ્રાહકોને મળતી સેવાઓ અંગે વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.









