IndiaAI મિશન હેઠળ EKA-1, Dhir 2B અને Dhir 5B રજૂ; ભારતીય ભાષાઓ, સરકારી કામકાજ અને વેપાર ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયાં
ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતે સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિકસાવવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે IndiaAI મિશનના સહયોગથી ત્રણ સ્વદેશી AI મોડેલ EKA-1, Dhir 2B અને Dhir 5B રજૂ કર્યાં છે. આ મોડેલ્સને ભારતીય ભાષાઓ અને દેશની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યાં હોવાનું જણાવાયું છે.
નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં IT મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણન સહિતના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ મોડેલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરકારી કચેરીઓ, સંશોધન કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ ઉદ્યોગોમાં તેનો ઉપયોગ થઈ શકે છે. આ ત્રણમાંથી Dhir 2B અને Dhir 5B મોડેલ્સની ખાસિયત એ છે કે તે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ડિવાઇસ પર ચલાવી શકાય છે.
EKA-1 : જટિલ કાર્યો અને તાર્કિક વિશ્લેષણ માટેનું AI મોડેલ
ત્રણેય મોડેલ્સમાં EKA-1 સૌથી મોટું મોડેલ છે. તેને બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ Socket Labs દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ઓપન અને સ્પાર્શ (Sparse) હાઈબ્રિડ લેંગ્વેજ મોડેલ છે, જેને જટિલ કાર્યો પાર પાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
EKA-1 એડવાન્સ્ડ ગણિત, સોફ્ટવેર પ્રોગ્રામિંગ અને તાર્કિક વિશ્લેષણ જેવા વિષયોમાં જવાબ આપી શકે છે. આ ઉપરાંત, AI એજન્ટ તરીકે એકસાથે અનેક કાર્યો પૂર્ણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
આ મોડેલમાં 26.3 અબજ પેરામીટર્સ હોવાનું અને તેને 7.5 ટ્રિલિયન ટેક્સ્ટ ટોકન્સના ડેટા પર તાલીમ આપવામાં આવી હોવાનું જણાવાયું છે. અંગ્રેજી ઉપરાંત ભારતની અનુસૂચિત ભાષાઓને સમજવાની તેની ક્ષમતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થઈ શકે છે. ખાસ કરીને જટિલ માહિતીનું વિશ્લેષણ અને વિવિધ પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આ મોડેલ ઉપયોગી સાબિત થઈ શકે છે.
Dhir 2B અને Dhir 5B : ઇન્ટરનેટ વિના પણ ઉપયોગ શક્ય
EKA-1 ઉપરાંત ZenteiQ AI Tech Innovations દ્વારા Dhir 2B અને Dhir 5B નામનાં બે મોડેલ વિકસાવવામાં આવ્યાં છે. આ મોડેલ્સને ખાસ કરીને ઓછા કમ્પ્યુટિંગ સંસાધનોમાં પણ કામ કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યાં હોવાનું જણાવાયું છે.
આ બંને મોડેલ્સની મુખ્ય વિશેષતા એ છે કે તેને ચલાવવા માટે દરેક વખતે ક્લાઉડ સર્વર અથવા હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડતી નથી. યોગ્ય ક્ષમતા ધરાવતા સ્માર્ટફોન કે લેપટોપમાં તેને ડાઉનલોડ કરીને ઓફલાઇન પણ ઉપયોગ કરી શકાય છે.
આ સુવિધા ખાસ કરીને એવા વિસ્તારોમાં ઉપયોગી બની શકે છે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી મર્યાદિત હોય. ઉપરાંત, સ્થાનિક ડિવાઇસ પર જ AI મોડેલ ચલાવવાથી કેટલીક કામગીરીમાં ડેટાની ગોપનીયતા જાળવવામાં પણ મદદ મળી શકે છે.
સ્વદેશી AIથી વિવિધ ક્ષેત્રોને નવી તક
આ ત્રણ મોડેલ્સના લોન્ચ સાથે ભારતનો હેતુ સ્થાનિક સ્તરે AI ટેક્નોલોજી વિકસાવવાનો અને વિદેશી પ્લેટફોર્મ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. ભારતીય ભાષાઓમાં AI સેવાઓ ઉપલબ્ધ થવાથી શિક્ષણ, સરકારી સેવાઓ, સંશોધન અને વેપાર ક્ષેત્રમાં નવી તકો ઊભી થઈ શકે છે.
ખાસ કરીને ઇન્ટરનેટ વિના કામ કરી શકતાં મોડેલ્સને કારણે ગ્રામ્ય વિસ્તારો અને મર્યાદિત કનેક્ટિવિટી ધરાવતા સ્થળોએ પણ AI ટેક્નોલોજીનો ઉપયોગ સરળ બની શકે છે. જોકે, આ મોડેલ્સની વાસ્તવિક ઉપયોગિતા તેમની ચોકસાઈ, ભાષાકીય ક્ષમતા, સુરક્ષા અને વિવિધ ડિવાઇસ પરના પ્રદર્શનના આધારે નક્કી થશે.









