ધમકીભર્યા ઈ-મેલમાં 8થી 27 નવેમ્બર દરમિયાન વિસ્ફોટ કરવાની ચેતવણી; શ્રીકૃષ્ણ જન્મભૂમિ, બાંકે બિહારી અને રામ મંદિર સહિતનાં ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારાઈ
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશનાં અયોધ્યા, મથુરા અને કાશી (વારાણસી) જેવા પ્રમુખ ધાર્મિક શહેરોમાં આવેલા પ્રસિદ્ધ મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ધમકીભર્યા ઈ-મેલમાં 8 નવેમ્બરથી 27 નવેમ્બર દરમિયાન વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દિવાળીના દિવસે સવારે 9:11થી 11:11 વાગ્યા દરમિયાન મંદિરમાં ધમાકો કરવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
શાળાઓ અને જાણીતી હસ્તીઓના કાર્યક્રમો પણ નિશાન પર
મંદિરો ઉપરાંત કેટલીક શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે પંજાબી ગાયક દિલજીત દોસાંજ અને બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા કાર્યક્રમોને પણ આઈઈડી વિસ્ફોટથી નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હોવાના અહેવાલો છે.
ધમકીભર્યો ઈ-મેલ કથિત રીતે ‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ નામના સંગઠન સાથે જોડાયેલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ દાવાની સત્યતા અંગે તપાસ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈ-મેલ મોકલનારની ઓળખ અને ધમકીની વિશ્વસનીયતા અંગે હજુ અંતિમ સ્પષ્ટતા થઈ નથી.
મંદિરો અને રેલવે સ્ટેશનો પર સુરક્ષા સઘન
ધમકી મળ્યા બાદ મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને બાંકે બિહારી મંદિર, અયોધ્યાનું રામ મંદિર તથા વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર સહિતનાં સંવેદનશીલ ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનો પર પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
વિવિધ સ્થળોએ પોલીસની ટીમો તહેનાત કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ ધમકીભર્યા ઈ-મેલની તપાસ કરી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
ધાર્મિક સ્થળો અને જાહેર કાર્યક્રમોને નિશાન બનાવવાની ધમકીને પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવામાં આવ્યું છે. તપાસમાં ઈ-મેલના મૂળ સ્ત્રોત અને ધમકી પાછળના લોકો અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.









