દિલ્હીના ચાવડી બજારમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી: બે લોકોનાં મોત, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

ચાવડી બજાર મેટ્રો સ્ટેશન નજીક નિર્માણાધીન બિલ્ડિંગ તૂટી પડી; એક ઇજાગ્રસ્તને બચાવી હોસ્પિટલ ખસેડાયો, છ ફાયર બ્રિગેડની ટીમોનું રેસ્ક્યૂ ઓપરેશન

જૂની દિલ્હીના ચાવડી બજાર મેટ્રો સ્ટેશન નજીક આવેલા ગલી સિતારા વિસ્તારમાં આજે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં નિર્માણાધીન ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થતાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તહેવારોની મોસમને કારણે બજારમાં લોકોની અવરજવર વચ્ચે આ ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

સવારે 9:50 વાગ્યે ફાયર બ્રિગેડને જાણ કરાઈ

ઘટનાની જાણ સવારે 9:50 વાગ્યે ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર ફાઇટરો અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વોટર ટેન્ડર અને વિશેષ રેસ્ક્યૂ વાહનો સહિત ફાયર બ્રિગેડની આશરે છ ટીમો કાટમાળ હટાવી અંદર ફસાયેલા લોકોને શોધવાની કામગીરીમાં જોડાઈ હતી.

પ્રાથમિક અહેવાલો મુજબ, હજુ પણ કેટલાક મજૂરો અથવા રાહદારીઓ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. બચાવકર્મીઓ કાટમાળના ઢગલામાં શોધખોળ કરી રહ્યા છે.

જૂની દિલ્હીમાં જર્જરિત ઇમારતોનો પ્રશ્ન ફરી ચર્ચામાં

આ દુર્ઘટનાને પગલે દિલ્હીમાં જૂની અને જોખમી ઇમારતોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ગીચ વસ્તી અને સાંકડી ગલીઓ ધરાવતા વિસ્તારોમાં જૂનાં બાંધકામો તેમજ નિર્માણકાર્ય દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કેટલું થાય છે તે અંગે સવાલો ઊભા થયા છે.

બચાવ કામગીરી ચાલુ, મૃત્યુઆંક વધવાની આશંકા

ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમો દ્વારા રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ઇમારત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. બાંધકામની મંજૂરી, તેની સ્થિતિ અને સ્થળ પર સુરક્ષાનાં નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ તપાસ થઈ શકે છે. હાલ કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें