‘કિંગ ઓફ સાળંગપુર’ ફિલ્મની ટીમે જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા

શ્રી કૃષ્ણ ગીર ગૌધામ ખાતે પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની પધરામણી; ફિલ્મની સફળતા માટે પાઠવી શુભકામનાઓ

સનાતન સંસ્કૃતિ, ધર્મરક્ષા અને ગૌસેવાની પરંપરાને ઉજાગર કરતા રાજકોટના શ્રી કૃષ્ણ ગીર ગૌધામ ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સ્વ. બાબુબાપુ વાંક પરિવાર દ્વારા સંચાલિત ગૌધામ ખાતે દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પધરામણી થઈ હતી. આ પ્રસંગે ગૌભેટ, પાદુકા પૂજન અને ધર્મચર્ચા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં યદુવંશીઓ અને ગૌભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે આગામી 27 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. ફિલ્મના નિર્દેશક પ્રશાંત દેશાવલ અને નિર્માતા ધ્રુવ દેશાવલે જગદ્ગુરુ શંકરાચાર્યજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા.

શંકરાચાર્યજીએ ફિલ્મની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી અને ભગવાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની કૃપાથી ફિલ્મ સમાજમાં આધ્યાત્મિક ચેતનાનો સંદેશ ફેલાવે તેવી મંગળકામના વ્યક્ત કરી હતી. તેમના આશીર્વાદથી ફિલ્મની ટીમનો ઉત્સાહ વધ્યો હતો.

હનુમાનજી દાદાના દિવ્ય મહિમા પર આધારિત ફિલ્મ

ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શનના બેનર હેઠળ પ્રસ્તુત આ ફિલ્મમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય ઇતિહાસ અને મહિમાને મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. ફિલ્મના નિર્દેશક પ્રશાંત દેશાવલ અને નિર્માતા ધ્રુવ દેશાવલે અગાઉ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરીને ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરી હતી.

હવે જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મળતાં ફિલ્મની ટીમ અને કલાકારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના સંદેશ સાથે રજૂ થનારી આ ફિલ્મની રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Leave a Comment

और पढ़ें