ફૂટબોલ મેચમાં અભૂતપૂર્વ બબાલ: રેફરીએ બતાવ્યાં 51 રેડ કાર્ડ, મેદાનમાં ખેલાડીઓ વચ્ચે મારામારી થતાં મેચ રદ

બ્રાઝિલની અંડર-20 સેમિફાઇનલમાં એક ગોલ બાદ શરૂ થયો વિવાદ; ખેલાડીઓ સાથે કોચિંગ સ્ટાફ, અધિકારીઓ અને બોલ બોય પણ ઘર્ષણમાં જોડાયા

બ્રાઝિલમાં રમાયેલી અંડર-20 ફૂટબોલ મેચ દરમિયાન એવો હિંસક વિવાદ સર્જાયો કે મેદાન જાણે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું. એક ગોલ બાદ શરૂ થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બંને ટીમોના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ, અધિકારીઓ અને અન્ય સભ્યો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં રેફરીએ કુલ 51 રેડ કાર્ડ બતાવ્યાં હોવાના અહેવાલ છે. હિંસક અથડામણને કારણે મેચ અધવચ્ચે જ રદ કરવી પડી હતી. આ ઘટનાએ ફૂટબોલના ઇતિહાસમાં એક જ મેચમાં સૌથી વધુ રેડ કાર્ડ બતાવવાના રેકોર્ડ અંગે પણ ચર્ચા જગાવી છે.

3-1ની લીડ બાદ વિવાદની શરૂઆત

આ ઘટના બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં ઉબેરલાન્ડિયા અને મામોરે વચ્ચે રમાયેલી અંડર-20 કેમ્પિઓનાટો મિનેઇરો સેકન્ડ ડિવિઝનની સેમિફાઇનલ મેચ દરમિયાન બની હતી. એસ્ટેડિયો પાર્કે ડો સાબિયા સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચના બીજા હાફની 54મી મિનિટે મામોરેની ટીમે ગોલ કરીને પોતાની લીડ 3-1 કરી હતી. આ ગોલ બાદ મેદાન પર વિવાદની શરૂઆત થઈ હતી.

રેફરીના સત્તાવાર અહેવાલ મુજબ, મામોરેના ફોરવર્ડ ખેલાડી ડાવીએ ગોલ કર્યા બાદ વિરોધી ટીમની બેન્ચ તરફ દોડીને ત્યાં હાજર અવેજી ખેલાડીઓ અને સ્ટાફને ઉશ્કેર્યા હતા. આ ઘટનાથી ઉબેરલાન્ડિયાના ગોલકીપિંગ કોચ પાઉલો સર્જિયો ડાયસ ડોસ સેન્ટોસ ગુસ્સે ભરાયા હતા અને તેઓ મેદાનમાં પ્રવેશીને ડાવી સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.

ખેલાડીઓથી લઈને સ્ટાફ અને બોલ બોય પણ જોડાયા

શરૂઆતમાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલો વિવાદ જોતજોતામાં બંને ટીમો વચ્ચેની સામૂહિક અથડામણમાં ફેરવાઈ ગયો હતો. બંને ટીમોના અવેજી ખેલાડીઓ, ટેકનિકલ સ્ટાફ અને અધિકારીઓ મેદાનમાં દોડી આવ્યા હતા. રેફરી ફર્નાન્ડો પેટ્રિક ડ્રોસઘિક મોડેસ્ટોના જણાવ્યા અનુસાર, આ અથડામણમાં છ બોલ બોય પણ સામેલ થયા હતા.

અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બોલ બોય દ્વારા મામોરેના સભ્યો પર ખુરશીઓ, સ્ટ્રેચર અને અન્ય સામાનથી હુમલો કરવામાં આવ્યો હતો. મેદાનમાં બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી અને મારામારી થતાં પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ હતી.

સ્થિતિ કાબૂમાં લેવા લશ્કરી પોલીસ બોલાવવી પડી

મેદાન પર વધી રહેલી હિંસાને કારણે સ્થાનિક લશ્કરી પોલીસને સ્ટેડિયમમાં બોલાવવાની ફરજ પડી હતી. આ દરમિયાન બંને ટીમોના સભ્યો દ્વારા એકબીજાના સાધનોને નુકસાન પહોંચાડવાના પણ આક્ષેપો થયા હતા. ઉબેરલાન્ડિયાના અધિકારીઓએ મામોરેના સાધનોને નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ થયો હતો, જ્યારે મામોરેના સભ્યોએ જવાબમાં હોમ ટીમના ડ્રેસિંગ રૂમમાં તોડફોડ કરી હોવાની માહિતી સામે આવી હતી.

મેદાન પરની સ્થિતિ સામાન્ય ન બનતાં રેફરીએ મેચ આગળ રમાડવી શક્ય ન હોવાનું માનીને મુકાબલો રદ કરવાનો નિર્ણય લીધો હતો.

કુલ 51 રેડ કાર્ડ બતાવ્યાનો અહેવાલ

આ મેચમાં હિંસક ઘટના સર્જાય તે પહેલાં જ ત્રણ ખેલાડીઓને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ અથડામણમાં સામેલ અન્ય વ્યક્તિઓ સામે પણ રેફરીએ લાલ કાર્ડની કાર્યવાહી કરી હતી. અહેવાલ મુજબ, કુલ 51 રેડ કાર્ડ બતાવવામાં આવ્યાં હતાં. આ ઘટના ફૂટબોલ મેચમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં રેડ કાર્ડ બતાવવાની દુર્લભ ઘટના બની છે.

2011નો 36 રેડ કાર્ડનો રેકોર્ડ ચર્ચામાં

અગાઉ એક જ ફૂટબોલ મેચમાં સૌથી વધુ રેડ કાર્ડ બતાવવાનો રેકોર્ડ 2011માં આર્જેન્ટિનાની ક્લેપોલ અને વિક્ટોરિયાનો એરેનાસ ટીમો વચ્ચે રમાયેલી પાંચમા ડિવિઝનની મેચ સાથે જોડાયેલો હતો. આ મુકાબલા દરમિયાન રેફરીએ કુલ 36 રેડ કાર્ડ બતાવ્યાં હતાં. બ્રાઝિલની આ ઘટનામાં 51 રેડ કાર્ડ બતાવ્યાના અહેવાલને પગલે જૂના રેકોર્ડ કરતાં પણ વધુ સંખ્યા નોંધાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફૂટબોલમાં રેડ કાર્ડ સામાન્ય રીતે ગંભીર ફાઉલ, હિંસક વર્તન અથવા રમતની શિસ્તનો ભંગ કરવા બદલ આપવામાં આવે છે. પરંતુ એક જ મેચમાં આટલી મોટી સંખ્યામાં રેડ કાર્ડ બતાવવાની ઘટના ખેલાડીઓની શિસ્ત અને મેદાન પરની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.

Leave a Comment

और पढ़ें