સોલુખુમ્બુના હેલિપેડ પર સવારે 8:11 વાગ્યે દુર્ઘટના; ફિશટેલ એર અને ડાયનેસ્ટી એરનાં હેલિકોપ્ટર વચ્ચે અથડામણ, ઘાયલને લુકલા ખસેડાયો
નેપાળના સોલુખુમ્બુ વિસ્તારમાં આવેલા હેલિપેડ પર લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
લેન્ડિંગ સમયે બંને હેલિકોપ્ટર અથડાયાં
પ્રાથમિક વિગતો અનુસાર, આ દુર્ઘટના સવારે આશરે 8:11 વાગ્યે બની હતી. ફિશટેલ એર અને ડાયનેસ્ટી એરનાં બે હેલિકોપ્ટર હેલિપેડ પર લેન્ડિંગ કરી રહ્યાં હતાં ત્યારે બંને વચ્ચે અથડામણ થઈ હતી. અકસ્માતને કારણે હેલિપેડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘાયલને સારવાર માટે લુકલા ખસેડાયો
નેપાળ પોલીસના પ્રારંભિક અહેવાલ મુજબ, અકસ્માતમાં એક વિદેશી નાગરિકનું મોત થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. ઘાયલ વ્યક્તિને સારવાર માટે પ્રભુ હેલિકોપ્ટર મારફતે લુકલા લઈ જવામાં આવ્યો હતો. જોકે, ઘટનાના તાત્કાલિક અહેવાલો અનુસાર મૃતક ભારતીય નાગરિક હોવાનું જણાવાયું છે.
અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ
અકસમાતમાં સામેલ બંને હેલિકોપ્ટરની લેન્ડિંગ પ્રક્રિયા દરમિયાન કઈ પરિસ્થિતિમાં ટક્કર થઈ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે મૃતક અને ઘાયલની ઓળખ અંગે સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નહોતી. પોલીસ દ્વારા વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.









