ધોરાજીના સરદાર ચોકમાંથી 9.5 કિલો ગાંજા સાથે જામજોધપુરના બે શખસ ઝડપાયા

ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવી ધોરાજીમાં સપ્લાય કરવાની તૈયારી હોવાની પોલીસને શંકા; રૂ.4.99 લાખનો મુદ્દામાલ જપ્ત, જથ્થો મંગાવનારની શોધખોળ

ધોરાજીના સરદાર ચોક વિસ્તારમાં રૂરલ એસઓજીની ટીમે દરોડો પાડી આશરે 9.5 કિલો ગાંજાના જથ્થા સાથે જામજોધપુરના બે શખસોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રૂ.4,89,850ની કિંમતનો ગાંજો તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ.4,99,850નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં બંને શખસો ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. ગાંજાનો જથ્થો કોના માટે લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ ગોઠવી વોચ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં માદક પદાર્થોની હેરાફેરી અને સેવન કરતા શખસો સામે ‘સે નો ટુ ડ્રગ્સ મિશન’ અંતર્ગત કડક કાર્યવાહી કરવા એસપી વિજયસિંહ ગુર્જરે સૂચના આપી હતી. આ સૂચનાના પગલે રૂરલ એસઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ ટીમ માદક પદાર્થોની હેરાફેરી કરતા શખસો પર નજર રાખી રહી હતી.

દરમિયાન એસઓજી ટીમને બાતમી મળી હતી કે ધોરાજીના સરદાર ચોક વિસ્તારમાં બે શખસો ગાંજાના જથ્થા સાથે આવવાના છે. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક સરદાર ચોક ખાતે પહોંચી વોચ ગોઠવી હતી.

શંકાસ્પદ કોથળાની તપાસમાં 9.5 કિલો ગાંજો મળી આવ્યો

વોચ દરમિયાન બે શખસો શંકાસ્પદ કોથળા સાથે સરદાર ચોકમાં આવતા પોલીસે તેમને કોર્ડન કરી અટકાવ્યા હતા. ત્યારબાદ તેમની પાસે રહેલા કોથળાની તપાસ કરતાં તેમાંથી આશરે 9.500 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી કાસમ જુમા સમા અને અશ્વિન ગિરધર ભાલોડિયા (બંને રહે. જામજોધપુર)ની ધરપકડ કરી હતી.

પોલીસે ગાંજાની કિંમત રૂ.4,89,850 આંકી છે. મોબાઇલ ફોન સહિત કુલ રૂ.4,99,850નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ધોરાજી સિટી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઓરિસ્સાથી ટ્રેનમાં લાવી રાજકોટથી બસમાં ધોરાજી પહોંચ્યા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને શખસોએ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવ્યા હોવાનું જણાવ્યું છે. તેઓ રાજકોટ રેલવે સ્ટેશન પર ઊતર્યા બાદ બસ મારફતે ધોરાજી પહોંચ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસને શંકા છે કે બંને શખસો ગાંજાનો જથ્થો સપ્લાય કરવા ધોરાજી આવ્યા હતા. જોકે, આરોપીઓએ પૂછપરછ દરમિયાન ગાંજાની ડિલિવરી રાજકોટમાં આપવાની હતી, પરંતુ પોલીસ ચેકિંગના ભયથી ધોરાજી તરફ આવી ગયા હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

જથ્થો મંગાવનાર શખસની શોધખોળ

ધરપકડ કરાયેલા બંને શખસોની પૂછપરછના આધારે ગાંજાનો જથ્થો મંગાવનાર વ્યક્તિ કોણ છે, ઓરિસ્સાથી આ જથ્થો કોના મારફતે લાવવામાં આવ્યો હતો અને તેની સપ્લાય ક્યાં કરવાની હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ નશાના કારોબારમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें