બેંગકોકથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 2338ને એક ભારતીય મુસાફરના હોબાળાને કારણે અધવચ્ચેથી બેંગકોક પરત ફરવું પડ્યું હતું. બુધવારે રાત્રે 8:20 વાગ્યે સુવર્ણભૂમિ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ મુસાફરના વિચિત્ર વર્તનને પગલે પાઇલટે વિમાન પરત લઈ જવાનો નિર્ણય કર્યો હતો. રાત્રે 10:40 વાગ્યે વિમાન બેંગકોક એરપોર્ટ પર ઉતર્યું હતું.
વિમાનમાં સવાર એક મુસાફરના જણાવ્યા અનુસાર, ભારતીય મુસાફર વિચિત્ર રીતે વર્તી રહ્યો હતો અને હોબાળો મચાવી રહ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાઇલટે વિમાનને બેંગકોક પરત લઈ જવાની જાહેરાત કરી હતી.
વિમાન એરપોર્ટ પર ઉતર્યા બાદ મેડિકલ ટીમે પહોંચીને સંબંધિત મુસાફરને પોતાની સાથે લઈ ગઈ હતી. જોકે, મુસાફરે આવું વર્તન શા માટે કર્યું અને તેની તબિયત કેવી છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાના આશરે 45 મિનિટ બાદ ફ્લાઇટે ફરી મુંબઈ જવા માટે ઉડાન ભરી હતી. એર ઈન્ડિયા તરફથી પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
વિમાનમાં હોબાળો કરનાર મુસાફર સામે તેના વર્તનની ગંભીરતા અને તપાસના આધારે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ક્રૂના નિર્દેશોનું ઉલ્લંઘન કરવું, ધમકી આપવી અથવા વિમાનની સુરક્ષામાં અવરોધ ઊભો કરવો ગંભીર બાબત ગણાય છે. આવી પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાઇલટ વિમાનનો માર્ગ બદલી શકે છે અથવા તેને પરત લઈ જવાનો નિર્ણય લઈ શકે છે.









