કેન્દ્ર સરકારે સરકારી જામીનગીરીઓમાંથી મળતા વ્યાજ અને મૂડીલાભ પર આવકવેરાની છૂટ મેળવવા માટે નવો નિયમ લાગુ કર્યો છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડે આવકવેરા નિયમો, 2026માં સુધારો કરીને ફોર્મ 173(એ) રજૂ કર્યું છે. કરમુક્તિનો લાભ મેળવવા પાત્ર રોકાણકારોએ હવે આ ફોર્મમાં રોકાણ અને આવકની વિગતો આપવી પડશે.
આ નિયમ તમામ સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરનારા સામાન્ય નાગરિકો માટે લાગુ પડતો નથી. આવકવેરા અધિનિયમ, 2025ના નિર્ધારિત શિડ્યૂલ હેઠળની જોગવાઈઓ મુજબ, પાત્ર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS)ને શરતોને આધીન કરમુક્તિનો લાભ મળે છે. આ છૂટ સરકારી જામીનગીરીઓ પર મળતા વ્યાજ તેમજ તેના વેચાણ, વિનિમય કે હસ્તાંતરણથી થતા મૂડીલાભને લાગુ પડે છે.
નવા ફોર્મમાં રોકાણકારોએ નામ, સરનામું, રહેઠાણનો દેશ, પાન નંબર, ઇમેઇલ, સંપર્ક નંબર અને સંબંધિત કરવર્ષની વિગતો આપવાની રહેશે. વિદેશી રોકાણકારોએ તેમના દેશનો કર ઓળખ નંબર (TIN) અને સેબી નોંધણી નંબર પણ દર્શાવવાનો રહેશે. જોકે, બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સને આ બે વિગતો આપવામાંથી છૂટ આપવામાં આવી છે.
ફોર્મના બીજા વિભાગમાં જામીનગીરીનો ISIN નંબર, પ્રકાર, મુદત, 1 એપ્રિલનું પ્રારંભિક મૂલ્ય, વર્ષ દરમિયાન થયેલી ખરીદી, વેચાણની રકમ અને 31 માર્ચનું અંતિમ મૂલ્ય દર્શાવવાનું રહેશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન મળેલું અથવા મળવાપાત્ર કુલ વ્યાજ અને થયેલા મૂડીલાભની વિગતો પણ રજૂ કરવી પડશે.









