ગોંડલ રોડ અને મવડી ઓવરબ્રિજ પરથી બે કાર સાથે રૂ. 9.96 લાખનો મુદ્દામાલ કબજે, બે આરોપીની ધરપકડ
રાજકોટમાં દારૂની હેરાફેરી સામે PCB અને LCB ઝોન-2ની ટીમે બે અલગ-અલગ સ્થળે કાર્યવાહી કરી હતી. ગોંડલ રોડ પરથી અર્ટિગા કારમાં લઈ જવાતી વિદેશી દારૂની 816 બોટલ અને મવડી ઓવરબ્રિજ પરથી જેટા કારમાં લઈ જવાતી 180 બોટલ મળી કુલ 996 બોટલ દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. બંને કાર્યવાહીમાં બે કાર સહિત આશરે રૂ. 9.96 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
PCBની ટીમે ગોંડલ રોડ પર સત્યવિજય આઇસ્ક્રીમ નજીક એક્સિસ બેંકની સામે હોમ ફોર બોયઝની દિવાલ પાસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. અહીં GJ-03-PR-4039 નંબરની સફેદ અર્ટિગા કારમાંથી હિરેન ઉર્ફે રાજ વિનોદ રાજપરા (ઉં.વ. 38)ને ઝડપી લેવામાં આવ્યો હતો. કારની પાછળની સીટ અને વચ્ચેના ભાગમાં સંતાડેલી વિવિધ બ્રાન્ડની 816 બોટલ, જેની કિંમત રૂ. 2,53,776 થાય છે, મળી આવી હતી. દારૂ અને કાર સહિત કુલ રૂ. 6.53 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
પોલીસની પૂછપરછમાં આ દારૂનો જથ્થો સંજય જીંજરીયા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી કાર્યવાહી દરમિયાન LCB ઝોન-2ની ટીમે મવડી ઓવરબ્રિજ પરથી GJ-06-EQ-0495 નંબરની વોક્સવેગન જેટા કાર ઝડપી પાડી હતી. કારચાલક જીતેશ મનસુખ સોલંકી (ઉં.વ. 34) પાસેથી દારૂની 180 બોટલ મળી આવી હતી. દારૂની કિંમત રૂ. 43,200 સહિત કાર મળી કુલ આશરે રૂ. 3.43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
તપાસમાં આ દારૂ રાજસ્થાનના અશોક નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાનું બહાર આવતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. બંને કેસમાં દારૂના સપ્લાયરો અને જથ્થો પહોંચાડવાના સ્થળ અંગે વધુ તપાસ ચાલી રહી છે.








