વિશ્વની સૌથી મોટી રિફાઇનરીની મુલાકાતે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયો

ગુજરાત અને દેશના ગૌરવ સમાન જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વવિખ્યાત રિફાઇનરીની અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ મુલાકાત લેતાં વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચાયું છે. વૈશ્વિક ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડતેલના બજારમાં અનિશ્ચિતતા વચ્ચે આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે રિફાઇનરી ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નિર્માણાધીન ડેટા સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ બંને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમને રિફાઇનરી સંકુલની કામગીરી, અદ્યતન ટેક્નોલોજી અને ઔદ્યોગિક માળખા અંગે માહિતી આપવામાં આવી હતી.

રૂબિયોની જામનગર મુલાકાતમાં ભારત સરકારના પ્રતિનિધિઓ ગેરહાજર

વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુંબઈમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોની જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત દરમિયાન ભારત સરકારનો કોઈ પ્રતિનિધિ હાજર ન હોવાની નોંધપાત્ર બાબત સામે આવી છે. મુલાકાત દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓએ અમેરિકી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું, જ્યારે જામનગર જિલ્લા તંત્ર દ્વારા આગમન અને પ્રસ્થાન સમયે સુરક્ષા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જામનગરની મુલાકાત બાદ રૂબિયોએ મુંબઈમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જોકે, જામનગર ખાતેની રિફાઇનરી મુલાકાતમાં એસ. જયશંકર કે ભારત સરકારના અન્ય કોઈ પ્રતિનિધિ જોડાયા ન હતા. આથી જામનગરની મુલાકાત મુખ્યત્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઔદ્યોગિક સંકુલ અને તેની ટેક્નોલોજી પર કેન્દ્રિત રહી હતી.

Leave a Comment

और पढ़ें