કાર પર ધડાધડ ગોળીબાર કરી બાઈક પર ફરાર થયા હુમલાખોરો; તૂટેલા કાચના ટુકડા વાગતાં અભિનેતાને સામાન્ય ઈજા, તપાસ માટે પોલીસની 15 ટીમો રચાઈ
મુંબઈમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કારને નિશાન બનાવી સાત રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ત્રણ શૂટરોની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. ગોળીબાર કર્યા બાદ આરોપીઓ બાઈક પર ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં એક શૂટરની બંદૂક જામ થઈ જતાં તેમાંથી વધુ ગોળી છૂટી ન હોવાનું જાણવા મળ્યું છે. જો બંદૂક જામ ન થઈ હોત તો ઘટના વધુ ગંભીર બની શકી હોત તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફાયરિંગની ઘટનામાં ટાઈગર શ્રોફનો આબાદ બચાવ થયો હોવાના અહેવાલ છે, જોકે કારના તૂટેલા કાચના ટુકડા વાગતાં તેમને હાથ અને છાતીના ભાગે સામાન્ય ઈજા થઈ હોવાનું જણાવાયું છે. તેમના હાથ પર પ્લાસ્ટર અને છાતી પર ઈજાનાં નિશાન દર્શાવતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચાહકોમાં ચિંતા ફેલાઈ છે.
ઘટનાને પગલે મુંબઈ પોલીસ એક્શનમાં આવી છે. જુહુ પોલીસ સ્ટેશનથી આશરે 350 મીટરના અંતરે બનેલી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે 15 પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. હુમલામાં વપરાયેલું બાઈક રેઢું મળી આવ્યું હોવાનું અને તેનું રજિસ્ટ્રેશન મુંબઈનું હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
બીજી તરફ, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા અનિલ પંડિત અને હરમન સંધુએ સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિપ દ્વારા હુમલાની જવાબદારી લીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ અને હુમલા પાછળનું ચોક્કસ કારણ તપાસનો વિષય છે.
આ ઘટનાએ બોલિવૂડ સહિત સમગ્ર મુંબઈમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ કમિશનર દેવેને ભારતી સાથે વાતચીત કરીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું જણાવાયું છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ ટાઈગર શ્રોફના નિવાસસ્થાને મુલાકાત લીધી હોવાના અહેવાલ છે. હવે પોલીસની તપાસમાં હુમલા પાછળનું કારણ, આરોપીઓની ઓળખ અને ઘટનામાં કોઈ ગેંગની વાસ્તવિક સંડોવણી છે કે નહીં તે અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.









