બુમરાહ માટે BCCIનો નવો પ્લાન: ટેસ્ટ ક્રિકેટ પર રહેશે ફોકસ, T20થી રાખશે અંતર!

ઈજાથી બચાવવા ટીમ મેનેજમેન્ટનો મોટો નિર્ણય; ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટેસ્ટ સિરીઝને જ પ્રાથમિકતા, 2027ના વનડે વર્લ્ડ કપની પણ તૈયારીઓ
ભારતીય ટીમના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઈજાઓથી બચાવવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ટીમ મેનેજમેન્ટે નવી રણનીતિ તૈયાર કરી હોવાના અહેવાલ છે. આ યોજના હેઠળ બુમરાહને મર્યાદિત ફોર્મેટમાં રમાડવા અને તેમની ફિટનેસ જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ, આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં બુમરાહને T20 અને વનડે સિરીઝથી દૂર રાખીને માત્ર ટેસ્ટ ક્રિકેટમાં રમાડવાની યોજના છે.
ટીમ મેનેજમેન્ટ બુમરાહને ટેસ્ટ સિરીઝ પહેલાં મેચ પ્રેક્ટિસ મળે તે માટે ઈન્ડિયા-A ટીમ તરફથી એક ચાર દિવસીય મેચ રમાડવા પણ ઈચ્છે છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ઈન્ડિયા-Aની ટીમ ત્રણ ચાર દિવસીય મેચ રમવાની છે, જેમાં ત્રીજી મેચમાં બુમરાહને તક આપવાની યોજના હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જોકે, આ અંગે સત્તાવાર જાહેરાતની પુષ્ટિ જરૂરી છે.
આ સમગ્ર આયોજન પાછળનું મુખ્ય કારણ બુમરાહની ફિટનેસ જાળવવાનું અને તેમના પર વધુ પડતો કાર્યભાર ન આવે તેની કાળજી રાખવાનું છે. ટીમ મેનેજમેન્ટની નજર 2027માં યોજાનારા વનડે વર્લ્ડ કપ પર પણ છે. બુમરાહ જેવા અનુભવી બોલર ટૂર્નામેન્ટ સુધી સંપૂર્ણ ફિટ રહે તે માટે તેમના રમવાના સમયપત્રકનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. જો આ યોજના અમલમાં આવે, તો બુમરાહની ઉપલબ્ધતા અને ફિટનેસને ધ્યાનમાં રાખીને તેમને અલગ-અલગ ફોર્મેટમાં રમાડવા અંગે મહત્વના ફેરફારો જોવા મળી શકે છે.

Leave a Comment

और पढ़ें