મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલાના વેચાણ પર FDAની લગામ: પેકિંગ વગરના પીસેલા મસાલા વેચવા પર પ્રતિબંધ

હળદર, મરચું, ધાણા અને ગરમ મસાલામાં ભેળસેળ રોકવા કડક કાર્યવાહી; પ્રતિબંધિત રંગો અને હાનિકારક રસાયણોના ઉપયોગ સામે પણ તવાઈ

મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)એ મસાલામાં ભેળસેળ અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનને અટકાવવા કડક આદેશ જાહેર કર્યો છે. આદેશ હેઠળ પીસેલા અને મિશ્રિત મસાલાના પેકિંગ વગરના ખુલ્લા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમ હળદર, મરચું, ધાણા અને ગરમ મસાલા સહિતના વિવિધ મસાલાઓને લાગુ પડશે.

FDA કમિશનર તુકારામ મુંઢેએ રાજ્યભરના અધિકારીઓને આદેશનો કડક અમલ કરાવવા સૂચના આપી છે. મસાલાના ઉત્પાદન, પ્રોસેસિંગ, સંગ્રહ, પરિવહન અને વેચાણ સાથે સંકળાયેલા ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, ઈ-કોમર્સ કંપનીઓ, હોટેલ અને કેટરર્સ પણ તેના દાયરામાં આવશે. FDA દ્વારા મસાલા ઉત્પાદક કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કેટલીક ક્ષતિઓ પણ સામે આવી હોવાનું જણાવાયું છે.

નવા આદેશ મુજબ મસાલામાં મેટાનિલ યેલો, રોડામાઇન-બી, સુદાન ડાઈ અને લેડ ક્રોમેટ જેવા પ્રતિબંધિત રંગોનો ઉપયોગ કરી શકાશે નહીં. મસાલાનું પ્રમાણ વધારવા માટે ઈંટનો ભૂકો, ચોક પાવડર, લાકડાનો વહેર કે અન્ય અનધિકૃત પદાર્થો ભેળવવા સામે પણ કાર્યવાહી થશે. મસાલામાંથી અર્ક કાઢી લીધા બાદ તેને ફરી વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મસાલાને જાહેર રસ્તાઓ, નાળાઓ, કચરાપેટીઓ કે પશુઓના વાડા પાસે સુકવવાની મનાઈ રહેશે. ઉત્પાદન અને સંગ્રહની જગ્યાએ સ્વચ્છતા જાળવવી ફરજિયાત રહેશે. મસાલાને જીવાણુમુક્ત કરવા માટે એથિલીન ઓક્સાઈડ જેવા પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ પણ કરી શકાશે નહીં.

પેકેટ પર વિગતો દર્શાવવી ફરજિયાત

પેકિંગ કરેલા મસાલા પર ઉત્પાદનનું નામ, વપરાયેલી સામગ્રી, ઉત્પાદકની વિગતો, FSSAI લાઇસન્સ નંબર, બેચ નંબર, ઉત્પાદન અથવા પેકિંગની તારીખ અને એક્સપાયરી તારીખ જેવી જરૂરી માહિતી દર્શાવવી પડશે. ભ્રામક દાવા અને ખોટા લેબલિંગ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

નિયમોના ભંગ બદલ કડક સજાની જોગવાઈ

  • ભેળસેળથી મૃત્યુ થાય તો: 7 વર્ષથી આજીવન કેદ સુધીની સજા અને રૂ. 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

  • ગંભીર સ્વાસ્થ્ય નુકસાન થાય તો: મહત્તમ 6 વર્ષની કેદ અને રૂ. 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

  • માન્ય લાઇસન્સ વિના ધંધો કરવા બદલ: 6 મહિના સુધીની કેદ અને રૂ. 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

  • હલકી ગુણવત્તાના ખાદ્ય પદાર્થો વેચવા બદલ: રૂ. 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

  • ખોટું લેબલિંગ કરવા બદલ: રૂ. 3 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

  • ભ્રામક જાહેરાતો અને ખોટા દાવા કરવા બદલ: રૂ. 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

FDAની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ મસાલાની ગુણવત્તા જાળવવા, ભેળસેળ અટકાવવા અને ગ્રાહકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે. નોંધનીય છે કે સજા અને દંડની જોગવાઈઓ સંબંધિત કાયદાની કલમો તથા ગુનાની ગંભીરતા અનુસાર લાગુ પડે છે.

Leave a Comment

और पढ़ें