રાજકોટમાં સનસનાટીભરી લૂંટ અને હત્યાનો 9 કલાકમાં ભેદ ઉકેલાયો: 10 આરોપી ઝડપાયા

આજી GIDCની રિફાઇનરીમાં કામ કરતા કર્મચારીએ જ આપી હતી લૂંટની ટીપ, રૂ. 1.57 કરોડનો મુદ્દામાલ કબજે; રાજકોટથી રાજસ્થાન અને કચ્છ સુધી પોલીસનું ઓપરેશન

રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી એક્સપોર્ટ ઇન્ડિયા લિમિટેડની રિફાઇનરીમાં થયેલી લૂંટ અને હત્યાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ તથા LCBને મોટી સફળતા મળી છે. પોલીસની વિવિધ ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ અને આંતરરાજ્ય સંકલનના આધારે માત્ર નવ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રિફાઇન સોનું-ચાંદી, બે કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,57,67,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં રિફાઇનરીમાં કામ કરતો કર્મચારી જ લૂંટ માટે બાતમી આપનાર હોવાનું સામે આવ્યું છે.

મેનેજર પર ફાયરિંગ કરી સોના-ચાંદીની લૂંટ

ગત 14મી તારીખે રાત્રે આશરે 8 વાગ્યે રિફાઇનરીના મેનેજર લાલજીભાઈ લવજીભાઈ સરધારા આશરે 946 ગ્રામ સોનાના ઢાળિયા અને બે કિલો જેટલો ચાંદીનો ડસ્ટ પાવડર થેલામાં લઈને શોરૂમ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મરૂન રંગની ટાટા ટિગોર કારમાં આવેલા ચાર શખ્સોએ તેમની પાસેથી થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. મેનેજર અને સિક્યુરિટી ગાર્ડે પ્રતિકાર કરતાં એક આરોપીએ લાલજીભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગંભીર ઇજાઓને કારણે લાલજીભાઈનું મોત થયું હતું અને આરોપીઓ સોના-ચાંદીનો જથ્થો લઈને ફરાર થઈ ગયા હતા.

ફાસ્ટેગની મદદથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચ, SOG, LCB ઝોન-1 અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી લૂંટમાં વપરાયેલી કારની ઓળખ કરવામાં આવી હતી. કારના ફાસ્ટેગની વિગતો પરથી પાલનપુર ટોલનાકા નજીકથી મહત્વની કડી મળી હતી. ત્યારબાદ રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરીને સરહદી વિસ્તારોમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

રાજસ્થાનના પિંડવાડા વિસ્તારમાંથી ટાટા ટિગોર કાર સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછમાં લૂંટનો મુદ્દામાલ કિયા સોનેટ કારમાં લઈ જતા અન્ય બે આરોપીઓની માહિતી મળતાં ઉદયપુરના બડગાંવ વિસ્તારમાંથી તેમને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.

સામખિયાળી પાસેથી અન્ય આરોપીઓ ઝડપાયા

આ ઉપરાંત, ચોટીલા નજીકની હોટલેથી મોબાઇલ ફોન બંધ કરીને ફરાર થયેલા અન્ય ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે કચ્છના સામખિયાળી પાસેથી ઝડપી પાડ્યા હતા. રિફાઇનરીમાં કામ કરતા શૈલેન્દ્રસિંહની લૂંટ માટે ટીપ આપનાર તરીકેની કથિત ભૂમિકા સામે આવતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે કુલ 10 આરોપીઓને ઝડપી પાડી આશરે 946 ગ્રામ રિફાઇન સોનું, રૂ. 4.30 લાખનો ચાંદીનો ડસ્ટ પાવડર, બે કાર અને મોબાઇલ ફોન સહિત રૂ. 1.57 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તમામ આરોપીઓની ભૂમિકા અને ગુનાને લગતી અન્ય કડીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें