સુરેન્દ્રનગર LCBની મોટી કાર્યવાહી: એલ્યુમિનિયમ વાયરની ચોરીમાં ત્રણ શખ્સો ઝડપાયા

ચોટીલા પંથકમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ₹1.80 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અંજામ આપતા તત્ત્વો સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. ત્યારે ચોટીલા પંથકમાં એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને સફળતા મળી છે. પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી અંદાજે ₹1.80 લાખની કિંમતનો એલ્યુમિનિયમ વાયર અને તેના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે ગુનાની તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીના મુદ્દામાલ તરીકે ગણાતા વાયરના બંડલ અને ટુકડાઓ કબજે કરવામાં આવ્યા હતા.
આ કેસમાં ચોટીલાના રાજપરા ગામના જુગેશ વિહાભાઈ બાવળિયા તથા વાંકાનેર તાલુકાના વિનયગઢના કિશન વેલાભાઈ ધોરિયા અને રણજીત બચુભાઈ ગણાદિયાને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ત્રણેય શખ્સો પાસેથી મળી આવેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ગુનાને લગતી અન્ય વિગતો મેળવવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Comment

और पढ़ें