મુંબઈ શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે 400 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પણ વધારા સાથે કારોબાર કરતો રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં તેજી, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની લેવાલી, ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ અને રૂપિયાની મજબૂતાઈએ બજારને ટેકો આપ્યો હતો.
ટેક મહિન્દ્રા, વિપ્રો, TCS, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, વોડાફોન, લોરસ લેબ્સ, કરૂર વૈશ્ય બેંક અને શ્યામ મેટાલિક્સ સહિતના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. બીજી તરફ, મેનકાઇન્ડ ફાર્મા, યસ બેંક, એન્જલ વન, HDFC બેંક, રિલાયન્સ, HDB ફાઇનાન્શિયલ, બ્લુ ડાર્ટ, ફોર્ટિસ હેલ્થકેર, ડીમાર્ટ, પતંજલિ અને ટાટા કેપિટલના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બજારની સાથે સોના-ચાંદીના ભાવમાં પણ તેજી રહી હતી. સ્થાનિક વાયદા બજારમાં સોનાનો ભાવ રૂ. 900 વધીને રૂ. 1,48,400 થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ રૂ. 2,800ના ઉછાળા સાથે રૂ. 2,13,470 પર પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઔંસ 4,182 ડોલર પર ટ્રેડ થયું હતું.
કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત બની 94.94ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ, WTI ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 96.95 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ 105.08 ડોલર પર નોંધાયું હતું. બજારમાં રોકાણકારોની ખરીદીએ તેજીને વેગ આપ્યો હતો, જોકે વિવિધ શેરોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.








