ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હવે ક્રિકેટના મેદાનની બહાર વ્યવસાયિક ક્ષેત્રે પણ નવી શરૂઆત કરી છે. 37 વર્ષની ઉંમરે કોહલીએ પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર ડેબ્યૂ કર્યું છે. અહીં શેર કરેલી તેમની પ્રથમ પોસ્ટને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને તે ચર્ચાનો વિષય બની છે.
LinkedIn પ્રોફાઇલમાં વિરાટ કોહલીએ પોતાની ઓળખ માત્ર એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે જ નહીં, પરંતુ ઉદ્યોગસાહસિક અને રોકાણકાર તરીકે પણ રજૂ કરી છે. તેમણે પ્રોફાઇલમાં ‘એગિલિટાસ સ્પોર્ટ્સ’માં રોકાણકાર તથા ‘વન8વર્લ્ડ’ના સહ-સ્થાપક તરીકેની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. આ નવી શરૂઆત સાથે કોહલી રમતગમત સાથે જોડાયેલા વ્યવસાયમાં પોતાની ભૂમિકાને વધુ વિસ્તૃત કરવા માગે છે.
પોતાની પ્રથમ પોસ્ટમાં કોહલીએ ભારતના રમતગમત ક્ષેત્રના ભવિષ્ય અંગેનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે એક એવું સંકલિત સ્પોર્ટ્સ બિઝનેસ પ્લેટફોર્મ વિકસાવવાની વાત કરી છે, જેમાં મેન્યુફેક્ચરિંગ, ગ્રાહક બ્રાન્ડ્સ અને રમતગમતનાં સાધનોના વિતરણ જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય. તેમનો ઉદ્દેશ્ય રમતગમત સાથે જોડાયેલું એવું વ્યવસાયિક માળખું ઊભું કરવાનો છે, જે લાંબા સમય સુધી સતત વિકાસ કરી શકે.
કોહલીએ ભારત પાસે વિશ્વસ્તરીય રમતવીરો અને રમતગમત ઉદ્યોગના વિકાસ માટે રહેલી સંભાવનાઓ પર પણ ભાર મૂક્યો છે. તેમના મતે, ભારત માત્ર આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેનારો દેશ બનીને નહીં રહે, પરંતુ વૈશ્વિક રમતગમતના ભવિષ્યને ઘડવામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આ જ દૃષ્ટિકોણ સાથે તેઓ આ ક્ષેત્રમાં રોકાણ અને વ્યવસાયિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ક્રિકેટની સાથે વ્યવસાયિક ક્ષેત્રે પણ સક્રિય થઈને વિરાટ કોહલી પોતાની કારકિર્દીનો નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે. તેમની LinkedIn પરની પ્રથમ પોસ્ટે ચાહકો અને વ્યવસાયિક જગતમાં રસ જગાવ્યો છે. હવે તેમની આ નવી પહેલ રમતગમત ઉદ્યોગમાં કેવો પ્રભાવ પાડે છે તેના પર સૌની નજર રહેશે.









