પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા, અનેક સ્થળોએ નુકસાન; પાકને પણ વ્યાપક અસર થવાની આશંકા
દેશના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય બાદ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં અચાનક હવામાન પલટાયું છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને તોફાની પવન સાથે કરા પડ્યા હતા, જ્યારે ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ કરાવૃષ્ટિ થઈ હતી. વિવિધ દુર્ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. આ ઉપરાંત ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં મોડી સાંજથી હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. ઝંઝાવાતી પવન સાથે ભારે વરસાદ પડતાં અનેક સ્થળોએ વૃક્ષો, હોર્ડિંગ્સ અને થાંભલાઓ ધરાશાયી થયાં હતાં. આ ઉપરાંત અનેક કાચાં-પાકાં મકાનોને નુકસાન પહોંચ્યું હતું. કમોસમી વરસાદ અને કરાવૃષ્ટિને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
બીજી તરફ, ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ હવામાનનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. અચાનક મુશળધાર વરસાદ અને મોટા કરા પડતાં જનજીવન પ્રભાવિત થયું હતું. કરાવૃષ્ટિને કારણે અનેક વાહનો અને મકાનોના કાચ તૂટી ગયાના અહેવાલ છે. ચોમાસાની વિદાય બાદ અચાનક આવેલા આ હવામાન પલટાથી લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. આ ફેરફાર પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોવાનું જણાવાયું છે.
દરમિયાન, હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં પખવાડિયામાં બીજી વખત ભારે હિમવર્ષા નોંધાઈ હતી. ધારચૂલાથી માંડીને મુનસ્યારી સુધીના આશરે 10,000 ફૂટની ઊંચાઈએ આવેલા વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ ગઈ હતી. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ અને કરા પડતાં સમગ્ર પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું.
ભારે હિમવર્ષાને પગલે પર્વતીય વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા હતા. આદિ કૈલાસનાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓને કડકડતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, શીખ ધર્મના પવિત્ર તીર્થસ્થાન હેમકુંડ સાહિબની આસપાસ પણ ત્રણથી ચાર ઇંચ જેટલો બરફ જામી ગયો હતો.
ઉત્તર ભારતની સાથે ઝારખંડમાં પણ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. તાપમાનમાં અચાનક ઉતાર-ચઢાવને કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો.









