મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવાની અને તેમના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિપક્ષી પક્ષોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સીજેપીના કાર્યકરોના વિરોધ વચ્ચે વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓ પણ મેદાનમાં ઉતર્યા હતા. આ દરમિયાન દિલ્હીમાં અનેક અગ્રણી નેતાઓની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે.
વિરોધ પ્રદર્શનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી, કેરળના પૂર્વ મુખ્યમંત્રી પી. વિજયન તેમજ આપના નેતાઓ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ જોડાયા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર સામેના આ વિરોધને પગલે રાજધાનીમાં રાજકીય માહોલ ગરમાયો હતો.
મમતા બેનર્જી મોઢા પર બેન્ડેજ લગાવી વિરોધમાં જોડાયાં
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે યોજાયેલા વિરોધ દરમિયાન મમતા બેનર્જીએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેઓ મોઢા પર બેન્ડેજ લગાવીને પ્રદર્શનમાં પહોંચ્યાં હતાં. ત્યારબાદ દિલ્હીના સાઉથ એવન્યુ વિસ્તારમાંથી તેમની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે.
મમતા બેનર્જીની સાથે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેન સહિતના નેતાઓને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
કેજરીવાલ સહિત આપના નેતાઓની પણ અટકાયત
આ વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજની પણ અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે. કેરળના પૂર્વ મુખ્યમંત્રી પી. વિજયન પણ વિરોધમાં જોડાયા હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર સામેની કાર્યવાહી અને રાજીનામાની માંગને લઈને વિપક્ષી પક્ષોએ વિરોધનો સૂર ઉગ્ર બનાવ્યો છે. જોકે, અટકાયત કરાયેલા તમામ નેતાઓની સંખ્યા અને પોલીસની કાર્યવાહી અંગેની સંપૂર્ણ સત્તાવાર વિગતોની પુષ્ટિ થવી બાકી છે.








