સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ભારતે ‘રાઇટ ઑફ રિપ્લાય’નો ઉપયોગ કરીને પાકિસ્તાનના દાવાઓનો વિરોધ કર્યો હતો. ભારતે સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર દેશનો અવિભાજ્ય ભાગ છે અને પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કરેલા ભારતીય વિસ્તારો ખાલી કરવા જોઈએ.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વરિષ્ઠ સલાહકાર અન્મોલ સિંહ બેદીએ પરમાણુ હથિયારો અંગે પાકિસ્તાનની નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ભારતે જણાવ્યું હતું કે પરમાણુ હથિયારોનો ઉપયોગ રાજકીય દબાણ ઊભું કરવા અથવા દેશ ચલાવવાના સાધન તરીકે થવો જોઈએ નહીં. ભારતે વધુમાં કહ્યું હતું કે તેની સંરક્ષણ ક્ષમતાઓ દેશની સુરક્ષા માટે છે અને તે કોઈ અન્ય દેશને નિશાન બનાવવા માટે નથી.
આતંકવાદ અને પરમાણુ ધમકીઓ સામે ભારતનો કડક અભિગમ
ભારતે પોતાના સંબોધનમાં આતંકવાદ સામેની નીતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે દેશ પર કોઈ પણ આતંકી હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે અને પરમાણુ ધમકીઓ સામે ભારત દબાણમાં નહીં આવે. ભારતે આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ અને હુમલાના મુખ્ય સૂત્રધારો વચ્ચે ભેદ ન રાખવાની વાત પણ કરી હતી.
ભારતે ગયા વર્ષે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો હતો. ભારતના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી દરમિયાન આતંકી માળખાંને નિશાન બનાવવામાં આવ્યાં હતાં અને તે દેશની સુરક્ષા માટે લેવામાં આવેલું પગલું હતું.
સિંધુ જળ સંધિ અને પરમાણુ પ્રસારનો મુદ્દો પણ ઉઠાવ્યો
ભારતે સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ કરાર વિશ્વાસ અને સદભાવનાના આધારે થયો હતો. ભારતના મતે, આતંકવાદને સમર્થન આપતી પ્રવૃત્તિઓ બંને દેશો વચ્ચેના વિશ્વાસને અસર કરે છે અને આવી સ્થિતિમાં સંધિના લાભો અંગે પણ પ્રશ્નો ઊભા થાય છે.
આ ઉપરાંત, ભારતે પાકિસ્તાનના પરમાણુ પ્રસાર સાથે જોડાયેલા ભૂતકાળના મુદ્દાઓનો ઉલ્લેખ કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયને સાવચેતી રાખવા અને પરમાણુ પ્રસાર પર કડક નજર રાખવા અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના આ નિવેદનનો મુખ્ય ભાર રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ સામેની કાર્યવાહી અને પરમાણુ ધમકીઓ સામેના વલણ પર રહ્યો હતો.








