સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. રસોડામાં રોજિંદા વપરાતી ચીજવસ્તુઓના ભાવ વધતાં ઘરે બનાવેલા ભોજનનો ખર્ચ પણ વધ્યો છે. ક્રિસિલના રોટી રાઇસ રેટ રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બરમાં શાકાહારી થાળીના ખર્ચમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે માંસાહારી થાળી 6 ટકા મોંઘી થઈ છે.
રિપોર્ટ મુજબ, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ₹28.1માં તૈયાર થતી શાકાહારી થાળીનો ખર્ચ વધીને આ વર્ષે ₹30.8 થયો છે. તેવી જ રીતે, માંસાહારી થાળીનો ખર્ચ ₹56થી વધીને ₹59.5 થયો છે. ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં શાકાહારી થાળીનો ખર્ચ પણ 4 ટકા વધ્યો છે.
ડુંગળીના ભાવમાં 89 ટકાનો ઉછાળો
થાળીના ખર્ચમાં વધારા પાછળ ડુંગળીના ભાવમાં થયેલો મોટો ઉછાળો મુખ્ય કારણ છે. સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવ વાર્ષિક ધોરણે 89 ટકા વધ્યા હતા. ગયા વર્ષે પ્રતિ કિલો ₹28ના ભાવે મળતી ડુંગળી આ વર્ષે ₹53 સુધી પહોંચી હતી. રવિ સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન 5થી 6 ટકા ઘટતાં જૂના સ્ટોકની અછત સર્જાઈ હતી. પરિણામે, માત્ર એક મહિનામાં જ ડુંગળીના ભાવમાં 34 ટકાનો વધારો નોંધાયો હતો.
ખાદ્ય તેલ, ચોખા અને ગેસના ખર્ચમાં પણ વધારો
રસોડાના બજેટ પર માત્ર ડુંગળી જ નહીં, પરંતુ અન્ય ચીજવસ્તુઓના વધતા ભાવની પણ અસર પડી છે. એક વર્ષમાં ખાદ્ય તેલના ભાવમાં 12 ટકા અને ચોખાના ભાવમાં 8 ટકાનો વધારો થયો છે. પામ તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા છતાં વૈશ્વિક તણાવ અને અલ નીનોની અસરને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠા પર અસર પડી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આ ઉપરાંત, વૈશ્વિક પુરવઠામાં અવરોધોને કારણે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો નોંધાયો છે. ખાદ્ય ચીજવસ્તુઓથી લઈને રસોઈના ઇંધણ સુધીના વધતા ખર્ચને કારણે સામાન્ય પરિવારોના માસિક બજેટ પર દબાણ વધી રહ્યું છે.








