સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિતના વિસ્તારોમાં ધડાકાની ઘટનાઓ બાદ ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે ભારતીયોને સતર્ક રહેવા, શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
યમનના ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે આ સૂચના આપવામાં આવી છે. ભારતીય દૂતાવાસે નાગરિકોને ઘટના સંબંધિત અપ્રમાણિત વીડિયો કે અફવાઓ સોશિયલ મીડિયા પર શેર ન કરવા પણ વિનંતી કરી છે.
રિયાધની ફ્લાઇટ્સ પર અસર
હુમલાની ઘટનાઓ બાદ રિયાધ એરપોર્ટ પર હવાઈ સેવાઓ ખોરવાઈ હોવાના અહેવાલ છે. એર ઈન્ડિયા અને જર્મનીની લુફ્થાન્સા એરલાઈન્સે રિયાધ આવતી-જતી ફ્લાઇટ્સ સ્થગિત કરી હોવાની માહિતી સામે આવી છે.
દિલ્હીથી રિયાધ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2243 ગુજરાત ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે સુરક્ષા કારણોસર તેને પાછી દિલ્હી વાળવામાં આવી હતી. એરપોર્ટ પર એક ઊભેલા વિમાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. મુસાફરોને સામાન છોડીને સુરક્ષિત સ્થળે જવાની સૂચના આપવામાં આવી હતી.
ભારતે હુમલાની નિંદા કરી
ભારત સરકારે હુમલાઓની નિંદા કરતાં નાગરિક માળખાં અને એરપોર્ટ જેવા સ્થળોને નિશાન બનાવવાની ઘટનાને અસ્વીકાર્ય ગણાવી છે. વિદેશ મંત્રાલયે હુમલામાં જીવ ગુમાવનારા લોકોનાં પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને સાઉદી અરેબિયાની સરકાર તથા ત્યાંના લોકો સાથે એકતા દર્શાવી છે.
અહેવાલ મુજબ, અગાઉ અબહા અને રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલાઓમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.
ભારતીયોની મદદ માટે 24 કલાક હેલ્પલાઈન
સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકોની મદદ માટે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ અને જેદ્દાહ સ્થિત કોન્સ્યુલેટ કાર્યરત છે. દૂતાવાસે પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્રની 24 કલાક ઉપલબ્ધ હેલ્પલાઈન 8002471234 પણ જાહેર કરી છે.
ભારતીય નાગરિકોને સુરક્ષા સંબંધિત નવીનતમ માહિતી માટે માત્ર દૂતાવાસનાં અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.









