નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના આંકડા અનુસાર, જૂન 2026ના અંતે ભારતનું કુલ વિદેશી દેવું વધીને 778.2 અબજ અમેરિકી ડોલર થઈ ગયું છે. માર્ચ 2026ના અંતે નોંધાયેલા સ્તરની સરખામણીએ વિદેશી દેવામાં 15.4 અબજ ડોલરનો વધારો થયો છે.
જૂન ક્વાર્ટરના અંતે દેશનું વિદેશી દેવું આશરે 65 લાખ કરોડ રૂપિયા જેટલું થાય છે. બીજી તરફ, 18 સપ્ટેમ્બર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ 765.901 અબજ ડોલર નોંધાયું હતું. આમ, આ બંને આંકડાઓની સરખામણી કરીએ તો કુલ વિદેશી દેવું ફોરેક્સ રિઝર્વ કરતાં આશરે 12.3 અબજ ડોલર વધારે છે.
GDPની સરખામણીએ દેવાનો ગુણોત્તર ઘટ્યો
વિદેશી દેવામાં વધારો થયો હોવા છતાં GDPની સરખામણીએ તેનો ગુણોત્તર થોડો ઘટ્યો છે. જૂન 2026ના અંતે ભારતનું વિદેશી દેવું GDPના 20.8 ટકા જેટલું હતું, જ્યારે માર્ચ 2026ના અંતે આ ગુણોત્તર 20.9 ટકા હતો.
RBIના જણાવ્યા અનુસાર, વિવિધ વૈશ્વિક કરન્સીની સરખામણીએ અમેરિકી ડોલરના મૂલ્યમાં થયેલા ફેરફારની અસરને કારણે લગભગ 0.9 અબજ ડોલરનો વેલ્યુએશન ગેઇન થયો હતો. આ અસરને દૂર કરવામાં આવે તો વિદેશી દેવામાં વધારો 15.4 અબજ ડોલરને બદલે આશરે 16.4 અબજ ડોલર થયો હોત.
લાંબા ગાળાનું દેવું સૌથી મોટું
ભારતના કુલ વિદેશી દેવામાં લાંબા ગાળાના દેવાનો હિસ્સો સૌથી મોટો છે. જૂન 2026ના અંતે એક વર્ષથી વધુ મુદતવાળું લાંબા ગાળાનું દેવું 624.7 અબજ ડોલર હતું, જે માર્ચ ક્વાર્ટરની સરખામણીએ 11.2 અબજ ડોલર વધારે છે.
બીજી તરફ, કુલ વિદેશી દેવામાં ટૂંકા ગાળાના દેવાનો હિસ્સો 19.7 ટકા થયો છે. ફોરેક્સ રિઝર્વની સરખામણીએ ટૂંકા ગાળાના દેવાનો ગુણોત્તર પણ માર્ચ 2026ના 21.6 ટકાથી વધીને જૂન ક્વાર્ટરમાં 23 ટકા થયો છે.
ડોલરમાં 54.8 ટકા વિદેશી દેવું
કરન્સી પ્રમાણે જોવામાં આવે તો ભારતના વિદેશી દેવામાં સૌથી મોટો હિસ્સો અમેરિકી ડોલરનો છે. કુલ દેવામાં 54.8 ટકા હિસ્સો અમેરિકી ડોલરમાં, જ્યારે 29.8 ટકા ભારતીય રૂપિયામાં, 6.9 ટકા જાપાની યેનમાં અને 3.5 ટકા યુરોમાં છે.
લોન અને કરન્સી-ડિપોઝિટ્સનો મોટો હિસ્સો
વિદેશી દેવાના મુખ્ય ઘટકોમાં લોન્સનો હિસ્સો 34.3 ટકા છે. ત્યારબાદ કરન્સી અને ડિપોઝિટ્સ 22.2 ટકા, ટ્રેડ ક્રેડિટ અને એડવાન્સિસ 19.1 ટકા અને ડેટ સિક્યોરિટીઝ 16.5 ટકા હિસ્સો ધરાવે છે. મુદલ અને વ્યાજની ચુકવણીનો હિસ્સો 5.6 ટકા રહ્યો છે.
RBIના આંકડા દર્શાવે છે કે જૂન ક્વાર્ટરમાં સરકારી તેમજ બિન-સરકારી બંને ક્ષેત્રના બાકી વિદેશી દેવામાં માર્ચ ક્વાર્ટરની સરખામણીએ વધારો થયો છે. જોકે, વિદેશી દેવાની સ્થિતિનું મૂલ્યાંકન કરતી વખતે માત્ર કુલ દેવું અને ફોરેક્સ રિઝર્વની સરખામણીને બદલે GDP, દેવાની મુદત, કરન્સી રચના અને ચુકવણી ક્ષમતા જેવા વિવિધ આર્થિક સૂચકાંકોને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.








