રૈયા રોડના શિવપરામાં રહેણાંક મકાનમાંથી 336 બોટલ દારૂ ઝડપાયો: મકાનમાલિક ઝડપાયો, બુટલેગર ફરાર

રાજકોટ: શહેરમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કાર્યવાહી કરી છે. રૈયા રોડ પર હનુમાન મઢી નજીક શિવપરા સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે 336 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે મકાનમાલિકની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર હોવાનું સામે આવેલા બુટલેગરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ PSI વનરાજસિંહ ડોડીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ASI અમિતકુમાર અગ્રાવત, હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ બોળીયા અને રાજેશભાઈ જળુને મળેલી બાતમીના આધારે શિવપરા શેરી નં.1માં આવેલા મકાનમાં તપાસ કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન પોલીસે 336 બોટલ દારૂ કિંમત રૂ.30,240નો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ ઉપરાંત મોબાઈલ સહિત કુલ રૂ.40,240નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

મકાન ભાડે આપી દારૂનો જથ્થો રાખ્યાનો ખુલાસો

પોલીસે મકાનમાલિક જાવેદ બસીર સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે બુટલેગર અરબાઝ શેખે દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને દારૂ રાખવા માટે જાવેદ સોલંકીનું મકાન ભાડે લીધું હતું.

દરોડા સમયે અરબાઝ શેખ હાજર મળી આવ્યો ન હતો, જેથી ક્રાઈમ બ્રાન્ચે તેની શોધખોળ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें