શ્રીલંકાને માત્ર 45 રનમાં ઓલઆઉટ કરી ભારત ફાઇનલમાં: હવે પાકિસ્તાન સામે ગોલ્ડ મેડલ માટે મુકાબલો
નિશિન (જાપાન): એશિયન ગેમ્સ 2026ના પુરુષ ક્રિકેટની સેમિફાઇનલમાં ભારતે શ્રીલંકાને 124 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ભારતીય બોલિંગ સામે માત્ર 45 રનમાં 9.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી ઈશાન કિશને 46 બોલમાં અણનમ 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મુશ્કેલ પિચ પર તેણે 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી ભારતને પડકારજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ 21 બોલમાં 38 રન બનાવી મહત્વનું યોગદાન આપ્યું હતું.
બુમરાહે પ્રથમ ઓવરમાં જ શ્રીલંકાને ઝટકો આપ્યો
170 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. જસપ્રીત બુમરાહે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યારબાદ અક્ષર પટેલ અને અભિષેક શર્માએ પણ અસરકારક બોલિંગ કરતાં શ્રીલંકાની બેટિંગ લાઇન-અપને સંભાળવાની તક આપી નહોતી. ત્રણેય બોલરોએ બે-બે વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાની ટીમ માત્ર 45 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે ભારતે T20 ક્રિકેટમાં શ્રીલંકા સામે 124 રનની મોટી જીત નોંધાવી હતી.
હવે ભારત-પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ મેચ
પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાને વરસાદથી પ્રભાવિત 13 ઓવરની મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે એશિયન ગેમ્સના પુરુષ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 ઓક્ટોબરે મુકાબલો થશે. બ્રોન્ઝ મેડલ માટે શ્રીલંકા અને બાંગ્લાદેશ સામસામે આવશે.








