વાંકાનેરના મહીકા પુલ પાસે પોલીસનો પીછો: 950 લિટર દેશી દારૂ સાથે ક્રેટા ઝડપાઈ, ₹5.95 લાખનો મુદ્દામાલ કબજે

વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મહીકા ગામ નજીક વોચ ગોઠવી દારૂની હેરાફેરી કરતા વાહનને ઝડપી પાડ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે ક્રેટા કારમાં દેશી દારૂનો જથ્થો ભરીને વાંકાનેર તરફ લાવવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે મહીકા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી GJ-7-DA-8030 નંબરની ક્રેટા કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે વાહન ઉભું રાખવાને બદલે પૂરપાટ ઝડપે હંકારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે કારનો પીછો કરી મહીકા ગામના પુલ પાસે ખાનગી વાહનોની મદદથી કોર્ડન કરીને કારને રોકી હતી. ત્યારબાદ કારની તલાશી લેતાં તેમાંથી 950 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો.

દારૂ સહિત ₹5.95 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે કાર્યવાહી દરમિયાન ₹1.90 લાખની કિંમતનો 950 લિટર દેશી દારૂ, ₹4 લાખની ક્રેટા કાર અને ₹5 હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ₹5.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે પોલીસે કારમાં સવાર રફિક ઉર્ફે રફલો હબીબભાઈ વિકિયાણી (37), રહે. ચંદ્રપુર, તાલુકો વાંકાનેરની ધરપકડ કરી છે.

દારૂ મોકલનાર-મંગાવનારની શોધખોળ

પોલીસે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર તેમજ અન્ય સંડોવાયેલા વ્યક્તિઓનાં નામ સામે આવે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સમગ્ર દારૂ સપ્લાય ચેઇન અંગે તપાસ શરૂ કરી છે.

Leave a Comment

और पढ़ें