નવી દિલ્હી: ઈરાન યુદ્ધને કારણે ગલ્ફ વિસ્તારમાં ક્રૂડ ઓઈલ અને ગેસની આયાતને લઈને જોખમ વધ્યું છે. આવી સ્થિતિમાં ભારતની રિફાઈનરી કંપનીઓએ ક્રૂડ ઓઈલની આયાત માટે પોતાની શિપિંગ વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે. ઈન્ડિયન ઓઈલ સહિતની ભારતીય રિફાઈનરીઓ હવે પોતાના ટેન્કરો મોકલવાને બદલે ગલ્ફની ઓઈલ કંપનીઓના જ ટેન્કરો ભાડે લેવાની દિશામાં આગળ વધી રહી છે.
ગલ્ફના સ્થાનિક ઓઈલ ટેન્કરોને હોર્મુઝ જળમાર્ગમાં અવરજવરનો વધુ અનુભવ હોવાથી સંવેદનશીલ પરિસ્થિતિમાં ક્રૂડ ઓઈલને સુરક્ષિત રીતે ભારત સુધી પહોંચાડવામાં મદદ મળી શકે છે. આ વ્યૂહરચનાથી ભારતને શિપિંગ અને વીમા ખર્ચમાં પણ રાહત મળવાની શક્યતા છે.
લાંબા રૂટથી આયાત કરવી મોંઘી
હોર્મુઝ જળમાર્ગની સ્થિતિને કારણે જો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડે તો ક્રૂડ ઓઈલની આયાતનો ખર્ચ વધી શકે છે. રેડ સી અથવા કેપ ઓફ ગુડ હોપના માર્ગે જહાજોને લાંબું અંતર કાપવું પડે છે, જેના કારણે શિપિંગ સમય, ઈંધણ અને વીમા ખર્ચમાં વધારો થાય છે.
ભારતીય ટેન્કરોને ગલ્ફ વિસ્તારમાં મોકલીને પરત લાવવા માટે પણ જોખમ અને વધારાના ખર્ચનો સામનો કરવો પડે છે. આ કારણોસર સ્થાનિક ગલ્ફ ટેન્કરો ભાડે લેવાનો વિકલ્પ ભારતીય રિફાઈનરીઓ માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે.
ગલ્ફના દેશોને પણ ફાયદો
આ વ્યવસ્થાથી ગલ્ફના ઓઈલ ઉત્પાદક દેશોને પણ લાભ મળી શકે છે. તેઓ પોતાના ઓઈલ ટેન્કરોનો ઉપયોગ કરીને ક્રૂડ ઓઈલની સપ્લાય અને શિપિંગ વ્યવસ્થા પર વધુ નિયંત્રણ જાળવી શકે છે અને ગ્રાહક દેશો સુધી ક્રૂડ પહોંચાડવાની પ્રક્રિયા સરળ બનાવી શકે છે.
આમ, ગલ્ફ વિસ્તારમાં વધેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતે ક્રૂડ ઓઈલની આયાત માટે શિપિંગ, વીમા ખર્ચ અને જોખમને ધ્યાનમાં રાખીને સ્થાનિક ટેન્કરો ભાડે લેવાની વ્યૂહરચના અપનાવવાનું શરૂ કર્યું છે.








