વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે CNN, MS NOW અને Politicoને વ્હાઈટ હાઉસ કવરેજથી દૂર કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે 18 સપ્ટેમ્બરે પોતાના Truth Social એકાઉન્ટ પર આ જાહેરાત કરતાં ત્રણેય મીડિયા સંસ્થાઓ પર ‘ફેક ન્યૂઝ’ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે અન્ય મીડિયા સંસ્થાઓ સામે પણ આવી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
ટ્રમ્પે પોતાના પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ, ટ્રમ્પ પ્રશાસન અથવા અમેરિકાને લગતા સમાચાર કવર કરતી વખતે મીડિયા સંસ્થાઓએ કથિત રીતે ‘જૂઠા અને બનાવટી સમાચાર’ ન આપવા જોઈએ. બાદમાં ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પણ તેમણે ત્રણેય સંસ્થાઓ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે અમેરિકાને ઈમાનદાર સમાચારની જરૂર છે.
જોકે, જાહેરાત બાદ તરત જ પ્રતિબંધ કેવી રીતે અમલમાં આવશે તે અંગે સ્પષ્ટતા થઈ નહોતી. અહેવાલો મુજબ શુક્રવારની સાંજ સુધી CNN, MS NOW અને Politicoના પત્રકારો વ્હાઈટ હાઉસ પરિસરમાં હાજર રહીને કામ કરી રહ્યા હતા. તેથી પ્રતિબંધનો વ્યાપ અને તેની અમલવારી અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.
CNNએ ટ્રમ્પની જાહેરાત સામે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેની વ્હાઈટ હાઉસ ટીમ નિષ્પક્ષ અને સચોટ રિપોર્ટિંગ માટે પ્રતિબદ્ધ છે અને સરકાર તરફથી પત્રકારત્વમાં અવરોધ ન હોવો જોઈએ. મીડિયા અધિકારો સાથે જોડાયેલા સંગઠનો અને કેટલાક કાનૂની નિષ્ણાતોએ પણ આ નિર્ણયને અમેરિકાના બંધારણમાં આપવામાં આવેલી પ્રેસ સ્વતંત્રતાના સંદર્ભમાં ગંભીર ગણાવ્યો છે.
ટ્રમ્પનો મીડિયા સાથેનો વિવાદ નવો નથી. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ CNNના પત્રકાર જિમ અકોસ્ટાની પ્રેસ ક્રેડેન્શિયલ રદ કરવામાં આવી હતી, જેને બાદમાં અદાલતી કાર્યવાહી બાદ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. હાલના નિર્ણય સામે પણ કાનૂની પડકાર ઊભો થવાની શક્યતા અંગે અહેવાલો સામે આવ્યા છે.








