‘ધુરંધર’, ‘બોર્ડર-2’ને પાછળ છોડી ‘ગોંધળ’ની ઓસ્કાર માટે પસંદગી

મુંબઈમાં થયેલી સત્તાવાર જાહેરાત મુજબ 99મા એકેડેમી એવોર્ડ્સ માટે મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયાની 14 સભ્યોની જ્યુરીએ દેશભરમાંથી આવેલી 33 ફિલ્મોમાંથી સંતોષ દવખરની આ ફિલ્મની પસંદગી કરી છે.

ઓસ્કારની રેસમાં ‘બોર્ડર-2’, ‘ધુરંધર’, ‘ઇક્કીસ’ અને ‘અંગ’ સહિતની ફિલ્મો સામેલ હતી. વિવિધ માપદંડોના મૂલ્યાંકન બાદ જ્યુરીએ ‘ગોંધળ’ને પસંદ કરી છે.

મરાઠીની પરંપરાગત લોકવિધિ ‘ગોંધળ’ પર આધારિત આ ફિલ્મમાં સંગીત, નૃત્ય અને પૌરાણિક પરંપરાઓ સાથે ગામડાના સંબંધો અને આંતરિક સંઘર્ષની વાર્તા રજૂ કરવામાં આવી છે. ફિલ્મની શરૂઆત લગ્નના પ્રસંગથી થાય છે, પરંતુ બાદમાં વાર્તા ઈર્ષ્યા, વિશ્વાસઘાત અને અન્ય સામાજિક સંઘર્ષો તરફ વળે છે.

ગોવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયેલી ‘ગોંધળ’ને સ્પેશિયલ જ્યુરી રિકગ્નિશન માટે સિલ્વર પીકોક એવોર્ડ પણ મળ્યો હતો. આ સાથે ‘ગોંધળ’ ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બનનારી ચોથી મરાઠી ફિલ્મ બની છે.

હવે ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીની આગળની પ્રક્રિયામાં ભાગ લેશે. એકેડેમી દ્વારા 15 ફિલ્મોની શોર્ટલિસ્ટમાંથી અંતિમ 5 નોમિનેશન પસંદ કરવામાં આવશે. 99મા એકેડેમી એવોર્ડ્સનું આયોજન 14 માર્ચ 2027ના રોજ થશે.

Leave a Comment

और पढ़ें