‘ધુરંધર’, ‘બોર્ડર-2’ સહિતની ફિલ્મોને પાછળ રાખી ‘ગોંધળ’ બની ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી

મુંબઈમાં કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ 99મા એકેડેમી એવોર્ડ્સ માટે ભારત તરફથી મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયાની જ્યુરીએ દેશભરમાંથી આવેલી 33 ફિલ્મોમાંથી દિગ્દર્શક સંતોષ દવખરની ‘ગોંધળ’ની પસંદગી કરી છે.

આ વખતે ઓસ્કારની રેસમાં ‘બોર્ડર 2’, ‘ધુરંધર’, ‘ઇક્કીસ’ અને ‘અંગ’ સહિતની ફિલ્મો સામેલ હતી. ફિલ્મમેકર શેષાદ્રીના નેતૃત્વ હેઠળની 14 સભ્યોની પસંદગી સમિતિએ વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કર્યા બાદ ‘ગોંધળ’ને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરી છે.

‘ગોંધળ’ મહારાષ્ટ્રની પરંપરાગત લોકવિધિ પર આધારિત ફિલ્મ છે. ગોંધળ એક રાત્રિભર ચાલતી લોકપરંપરા છે, જેમાં સંગીત, નૃત્ય અને પૌરાણિક કથાઓનો સમાવેશ થાય છે. ફિલ્મની વાર્તા લગ્નના પ્રસંગથી શરૂ થાય છે અને ત્યારબાદ ઈર્ષ્યા, વાસના, વિશ્વાસઘાત તથા ગામડાના આંતરિક સંઘર્ષ જેવા મુદ્દાઓ તરફ આગળ વધે છે.

ફિલ્મનું પ્રીમિયર ગોવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, જ્યાં તેને સ્પેશિયલ જ્યુરી રિકગ્નિશન માટે સિલ્વર પીકોક એવોર્ડ મળ્યો હતો. ‘ગોંધળ’ ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બનનારી ચોથી મરાઠી ફિલ્મ છે. અગાઉ ‘શ્વાસ’ (2005), ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’ (2009) અને ‘કોર્ટ’ (2015) ભારત તરફથી ઓસ્કાર માટે મોકલાઈ ચૂકી છે.

હવે ‘ગોંધળ’ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીની આગળની પ્રક્રિયામાં સામેલ થશે. એકેડેમી દ્વારા વિશ્વભરમાંથી પસંદ થયેલી ફિલ્મોમાંથી પહેલા 15 ફિલ્મોની શોર્ટલિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી અંતિમ 5 ફિલ્મોને ઓસ્કાર માટે નોમિનેશન મળશે. 99મા એકેડેમી એવોર્ડ્સનું આયોજન 14 માર્ચ 2027ના રોજ થવાનું છે.

Leave a Comment

और पढ़ें