ધોકા-પાઇપ સાથે આવેલા શખ્સોએ વાહનોના કાચ-મોરા તોડ્યા : વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી
મોચીબજારના ચામડીયા ખાટકીવાડ વિસ્તારમાં મોડી રાત્રે અલ્તાફ બશીર ખિયાણી અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સોએ ધોકા-પાઇપ જેવા હથિયારો સાથે ધસી આવી વાહનોમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. ટોળકીએ BMW કાર, રિક્ષા, R15 બાઇક અને એક્સેસમાં ભારે નુકસાન કર્યું હતું. દરમિયાન વૃદ્ધે તોડફોડ અટકાવવાનો પ્રયાસ કરતાં તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
મોચીબજાર ચામડીયા ખાટકીવાડમાં રહેતા 68 વર્ષીય રજાકભાઈ સિદ્દીકભાઈ શેખે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.9ની રાત્રે તેઓ ઘરે સુતા હતા ત્યારે બહાર ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. ડેલો ખોલીને બહાર જોતા કેટલાક શખ્સો ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે ઘરની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા.
ટોળકીએ BMW કાર નંબર DL-01-CP-5868નો પાછળનો કાચ અને નંબર પ્લેટ તોડી નાખ્યા હતા. ત્યારબાદ રજાકભાઈની રિક્ષા નંબર GJ-03-BX-6104નો આગળનો કાચ તોડી સાઇડમાં ઘોબા પાડ્યા હતા. તેમના ભત્રીજા અખ્તર મુસ્તાર શેખની R15 બાઇક નંબર GJ-03-HP-7032નો આગળનો મોરો, ટાંકી સહિતના ભાગોમાં નુકસાન કર્યું હતું. ઉપરાંત એક્સેસ નંબર GJ-03-NQ-1426ના આગળના ભાગ અને લાઇટમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
વૃદ્ધે વાહનોમાં તોડફોડ કરવાની ના પાડતાં ટોળકીએ તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, નજીકમાં આવેલા ફ્રુટના ગોડાઉનમાં કામ કરતા હિમાંશુ બલદાઈએ જણાવ્યું હતું કે વાહનોમાં તોડફોડ કરનારાઓમાં અલ્તાફ ખિયાણી અને તેની સાથે આવેલા શખ્સો હતા. ગોડાઉન સંચાલક શબીરભાઈ સાથે અલ્તાફ ખિયાણીનો અગાઉ ઝઘડો થયો હોવાનું અને આ જૂના વિવાદને પગલે તોડફોડ કરવામાં આવી હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.








