પી. ચિદમ્બરમ અને શશી થરૂરે અલગ-અલગ મત વ્યક્ત કર્યા

બ્રિકસથી ભારતને શું લાભ? કોંગ્રેસે જ ઉઠાવ્યો સવાલ

ભારતમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા બ્રિકસ શિખર સંમેલન વચ્ચે કોંગ્રેસમાં જ આ સંગઠનને લઈને અલગ-અલગ મત સામે આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે બ્રિકસ સહિતના આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારતની ભાગીદારીથી દેશને મળતા લાભ અંગે સવાલ ઉઠાવ્યો છે. જ્યારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે બ્રિકસનું સમર્થન કરતા તેને ભારત માટે મહત્વપૂર્ણ વૈશ્વિક મંચ ગણાવ્યો છે.

પી. ચિદમ્બરમે વાતચીત દરમિયાન કહ્યું કે જી-20, ક્વાડ, બ્રિકસ અથવા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન જેવી વિવિધ આંતરરાષ્ટ્રીય બેઠકોમાં ભારત ભાગ લે છે, પરંતુ હવે એ વિચારવાની જરૂર છે કે આવી ગતિવિધિઓમાં સામેલ થવાથી ભારતને વાસ્તવમાં શું લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે ભારતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને વિદેશ નીતિ નક્કી કરવી જોઈએ.

બીજી તરફ કોંગ્રેસના સાંસદ શશી થરૂરે બ્રિકસનો બચાવ કરતા કહ્યું કે આ માત્ર એક ઔપચારિક આયોજન નથી, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની રાજદ્વારી ક્ષમતાનું પ્રદર્શન કરવાની મહત્વપૂર્ણ તક છે. બ્રિકસમાં વિશ્વની મોટી વસ્તી અને વૈશ્વિક અર્થતંત્રમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતા દેશો સામેલ છે. આવા દેશો સાથે સતત સંવાદ અને મુલાકાતો ભારત માટે મહત્વપૂર્ણ છે.

થરૂરે ખાસ કરીને વૈશ્વિક મુદ્દાઓ પર બ્રિકસના દેશો ભારતની સાથે આવે તે મહત્વનું હોવાનું જણાવ્યું હતું. આમ, બ્રિકસ સંમેલન શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓના અલગ-અલગ મંતવ્યોને કારણે પક્ષમાં મતભેદો સામે આવ્યા છે.

Leave a Comment

और पढ़ें